ભારતે ફરી ગુમાવ્યાં વીર: જમ્મુના અનંતનાગમાં આતંકીઓ સામેની અથડામણમાં 2 જવાન શહીદ, 3 ઘાયલ

Jammu-Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ગઈકાલે ફરી આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. શનિવારે અનંતનાગના દૂરના વિસ્તારના જંગલમાં આતંકવાદીઓ સાથેની ભીષણ અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના(Jammu-Kashmir Terrorist Attack) કોકરનાગ વિસ્તારના અહલાન ગાગરમંડુ જંગલમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, જેના પગલે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સેના પર હુમલો કર્યો હતો.

સર્ચ ઓપરેશન દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો
અધિકારીઓએ જણાવ્યું હતું કે જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ સર્ચ પાર્ટીઓને જોતાની સાથે જ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેના કારણે ભીષણ અથડામણ થઈ હતી. તેમણે કહ્યું કે આતંકીઓના ગોળીબારમાં સેનાના બે જવાન શહીદ થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે.

ઘાયલોમાં એક સેનાનો જવાન છે જ્યારે અન્ય બે નાગરિક છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

બે નાગરિકો અને એક સૈનિક ઘાયલ
આર્મીના શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વિશિષ્ટ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા સામાન્ય વિસ્તાર કોકરનાગ, અનંતનાગમાં આજે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ તરફથી ગોળીબાર શરૂ થયો હતો. સુરક્ષા દળો તરફથી પણ જવાબી ગોળીબાર કરવામાં આવ્યો હતો. હાલમાં કોકરનાગ ઓપરેશનમાં 2 જવાન શહીદ થયા છે. બે નાગરિકો અને અન્ય એક સૈનિક ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

17મી જુલાઈના રોજ કુપવાડામાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા
17 જુલાઈએ કુપવાડાના કેરન વિસ્તારમાં સેનાએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. સેનાને અહીં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સિવાય ડોડામાં એક જ દિવસે બે જગ્યાએ એન્કાઉન્ટર થયા હતા. જેમાં આતંકીઓના હુમલામાં બે જવાન ઘાયલ થયા હતા.