ટાયર ફાટવાને કારણે બેકાબૂ કાર ફ્લાયઓવર પરથી સીધી નીચે હાઈવે પર પટકાતા 2 લોકોના કમકમાટી ભર્યા મોત

Kanpur Accident: યુપીના કાનપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.બપોરના સમયે એક ઈકોસ્પોર્ટ કાર NH-19 ફ્લાયઓવર બ્રિજ પર જઈ રહી હતી. તે દરમિયાન અચાનક કારનું ટાયર ફાટ્યું હતું, જેના કારણે કાર કાબૂ બહાર થઇ ગઈ હતી. આ પછી કાર હવામાં ઉછળીને હાઇવે પર લગભગ 35 ફૂટ નીચે પડી હતી.ત્યારે કારમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.ત્યારે આ ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે(Kanpur Accident) પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જેમાંથી બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

ટાયર ફાટ્યા બાદ અકસ્માત સર્જાયો
હનુમંત વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર પર ઈકોસ્પોર્ટ કારનો અકસ્માત થયો હતો.ત્યારે આ અંગે ડીસીપી અંકિતા શર્માએ જણાવ્યું કે વાહનનો રજીસ્ટ્રેશન નંબર ગાઝીપુર જિલ્લાનો છે. કાર રમાદેવીથી ઈટાવા તરફ જઈ રહી હતી.તે દરમિયાન અચાનક કારનું ટાયર ફાટતા કાર રેલિંગ તોડીને બેકાબૂ બનીને નીચે પડી હતી.જો કે સદનસીબે કાર નીચે પડી ત્યારે કોઈને ટક્કર વાગી ન હતી.

બે લોકોના મોત
કારમાં ત્રણ લોકો હતા, પોલીસ તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા.આ દરમિયાન તબીબોએ બેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એકની હાલત નાજુક છે. પોલીસ મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો,ત્યારે મૃતકના પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા.જયારે તેના રુદનથી હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ અકસ્માત સર્જાતા કારનો કુરચો વળી ગયો હતો.તેમજ અકસ્માત બનવાથી ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.જે બાદ પોલીસે તે વાહનોને ત્યાંથી દૂર કરાવી ટ્રાફિક દૂર કર્યો હતો.