વડોદરા(ગુજરાત): તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા જ હશે કે જેમાં નદી તેમજ તળાવમાં નાહવા પડેલા લોકોનું ડૂબી જવાથી મોત નીપજતું હોય છે. ત્યારે તીર્થધામ ચાંદોદ ખાતે ત્રિવેણી સંગમ પાસેના કિનારે રવિવારના રોજ વડોદરાના 5 મિત્રો સ્નાન કરતા હતા. આ દરમિયાન 2 આશાસ્પદ યુવાનો પાણીના પ્રવાહમાં તણાઈ જતા લાપતા થયા હતા. આ ઘટનાની જાણ થતાં ચાંદોદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી તેમજ સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, લાપતા યુવાનોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી સોમવારે સવારે ફાયર ફાઈટરની મદદથી પુનઃ શોધખોળ હાથ ધરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, અષાઢી અમાસ, દિવાસોના તહેવારને અનુલક્ષી મૂળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલ વડોદરા રહેતા 5 મિત્રો રિક્ષા લઇ ત્રિવેણી સ્નાન માટે તીર્થધામ ચાંણોદ આવ્યા હતા. પાંચેય મિત્રો સ્નાન કરી રહ્યા હતા ત્યારે 2 મિત્રો નીતિન દેવજીભાઈ રાઠવા અને ભાવેશ રામજીભાઈ રાઠવા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. હોડી ચાલકો બચાવ કામગીરી શરુ કરે તે પહેલાં જ બંને મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ ઘટનાના પગલે નદી કિનારે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. ચાંદોદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં લાપતા થયેલા બંને મિત્રોની તપાસ શરુ કરવામાં આવી હતી. જોકે, મોડી સાંજ સુધી તેમનો કોઇ પત્તો લાગ્યો ન હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ફાયર ફાઈટરની મદદથી સોમવારે સવારે પુનઃ બંને યુવાનોની શોધખોળ આરંભવામાં આવશે. નદીમાં લાપતા બનેલા બંને યુવાનો મકરપુરા જીઆઇડીસીમાં નોકરી કરતા હતા.
લાપતા યુવક સાથે આવેલા અન્ય 3 મિત્રો
કૃણાલ પ્રવીણભાઈ રાઠવા, મોટી સાંકડ, જિલ્લો છોટાઉદેપુર
રાજુ ઉદેશીંગ રાઠવા, થડગામ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર
અતુલ હમીરભાઇ રાઠવા, થડગામ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.