આવનારી 20મી ડિસેમ્બરે યોજાનારી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યુ છે. રવિવારે કોંગ્રેસ દ્વારા એક સંમેલન યોજાયું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કમલમમાથી 20 કરોડ રૂપિયાના કોથળા જસદણમાં ઠલવાયા છે. આ રકમથી ભાજપ ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાના આવા આક્ષેપોને પગલે ભાજપમાં સન્નાટો મચી ગયો છે.
ચૂંટણી પ્રચારની વાત કરીએ તો જસદણની કેટલીક દીવાલો પર કોઇએ લખ્યું છે કે કુંવરજી હારે છે, ધાનાણીની સાથે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિ ગોહિલ કોંગ્રેસના અન્ય ધારાસભ્યો અને આગેવાનો પણ ધામા નાખીને બેઠા છે, બીજી બાજુ કુંવારજીએ ફોર્મ ભર્યા બાદના દિવસોમાં ભાજપના કોઈ મોટા માથાઓ જસદણમાં દેખાતા નથી.
ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ એક પણ વખત જસદણમાં આવ્યા નથી ભાજપના જ નેતાઓ કહે છે કે જ્યારથી ભૂપેન્દ્ર યાદવ ને ગુજરાત નો હવાલો સોંપાયો છે ત્યારથી ભાજપની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. પહેલા રાજ્યસભાની ચૂંટણીમાં હાર થઈ હતી. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપની 121 બેઠકો ઘટીને 99 થઈ ગઈ છે.
ઉપરાંત પાટીદારો તેમજ અન્ય સમુદાયના આંદોલન ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પરપ્રાંતીઓ પર કરાયેલા હુમલાઓ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કૌભાંડ વગેરે જેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. બીજી બાજુ સરકારને સંગઠન વચ્ચે પણ કોઈ જાતનો તાલમેલ નથી. અવાર-નવાર નાના મોટા અગ્રણીઓ જાહેરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના ટોચના નેતાઓની ટીકા કરે છે.
આમ છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. ભાજપ માટે જસદણની ચૂંટણી જીતવી એ મોટો પડકાર છે. જસદણની બેઠક જીતાડવાની સીધી જવાબદારી ભૂપેન્દ્ર યાદવની થાય છે. આમ છતાં તેઓએ ભાજપને આ બેઠક જીતાડવા માટે ખાસ કોઈ જ મહેનત કરી નથી. જેને લઇને ભાજપમાં ભૂપેન્દ્ર યાદવની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા અંગે ખુલ્લેઆમ ચર્ચા થઈ છે