હિમાચલમાં વાદળ ફાટતા ચારેય કોર તબાહી- ૨૨ લોકોના મોત, ઠેરઠેર સર્જાયા તારાજીના દ્રશ્યો

હિમાચલ (Himachal) માં ભારે વરસાદે તબાહી મચાવી છે. પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની 34 ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 22 થયો છે, જ્યારે 6 ગુમ છે. કાંગડા, મંડી અને ચંબા જિલ્લામાં કુદરતે સૌથી વધુ તબાહી મચાવી હતી. મંડીમાં 14, ચંબાના ભટિયાટમાં 3 અને કાંગડા અને શિમલા જિલ્લામાં 2-2 લોકોના મોત થયા છે. તેમાંથી એક 9 વર્ષની બાળકી પણ છે જેણે કાંગડાના શાહપુરમાં મકાન ધરાશાયી થતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ભારે વરસાદ બાદ પંજાબના પઠાણકોટ સાથે ચક્કી ખાડ પર કાંગડાને જોડતો નેશનલ હાઈવે બ્રિજ રાતોરાત બંધ કરી દેવામાં આવ્યો હતો. બ્રિજને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવો કે નહીં, NHAIના અધિકારીઓ રવિવારે સવારે બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ નિર્ણય લેશે. અગાઉ ચક્કી ખાડ પર બનેલો રેલવે બ્રિજ શનિવારે સવારે ધોવાઈ ગયો હતો.

સ્થિતિની ગંભીરતાને જોતા રાજ્યના મુખ્ય સચિવ આરડી ધીમાને અધિકારીઓની તાકીદની બેઠક યોજી હતી. જેમાં કાંગડા, મંડી અને ચંબા જિલ્લામાં વરસાદથી પરેશાન તમામ શાળા-કોલેજો બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. બાકીના જિલ્લાઓના ડીસી પણ પરિસ્થિતિ અનુસાર શાળા-આંગણવાડી કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય લઈ શકશે.

ધર્મશાળામાં વરસાદે તોડ્યો 64 વર્ષનો રેકોર્ડ
કાંગડા જિલ્લાના ધર્મશાળામાં 24 કલાકમાં 333 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે અહીં વરસાદનો 64 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અગાઉ 6 ઓગસ્ટ 1958ના રોજ અહીં 314.9 મીમી વરસાદ નોંધાયો હતો. હમીરપુરમાં બિયાસ નદીમાં 6 થી 7 ઘર ડૂબી ગયા હતા. આમાં ફસાયેલા 19 લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

રાજ્યના 12માંથી 11 જિલ્લામાં આગામી 46 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન કેન્દ્ર શિમલાના ડાયરેક્ટર સુરેન્દ્ર પાલે કહ્યું કે રાજ્યમાં આગામી 36 થી 46 કલાક સુધી ભારે વરસાદની યલો એલર્ટ રહેશે. આ સમય દરમિયાન, લાહૌલ સ્પીતિ સિવાય, અન્ય તમામ 11 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં 24 ઓગસ્ટ પછી જ હવામાન સાફ થવાની ધારણા છે.

હિમાચલના વરસાદ સંબંધિત અન્ય અપડેટ્સ
1. વરસાદને કારણે રાજ્યમાં રૂ. 1,135 કરોડની સરકારી અને ખાનગી સંપત્તિનો નાશ થયો છે.
2. આ ચોમાસામાં અત્યાર સુધીમાં 217 લોકોએ માર્ગ અકસ્માતો, વાદળ ફાટવા, પૂર અને ભૂસ્ખલનમાં જીવ ગુમાવ્યા છે. શિમલા જિલ્લામાં 35 અને કુલ્લુમાં 31 લોકોના મોત થયા છે.
3. રાજ્યની મોટાભાગની નદીઓ પર બાંધવામાં આવેલા ડેમ ખતરાના નિશાન પર પહોંચી ગયા છે. લારજી ડેમ 970 મીટરના ખતરાના નિશાન સામે 969 મીટર સુધી ભરાઈ ગયો છે. નાથપા ડેમ 1494.5 મીટરની સરખામણીમાં 1494 મીટર, સાંજ 1753ની સરખામણીમાં 1752 મીટર, ચાંજુ-એક 1441ની સરખામણીમાં 1440.10 મીટર ભરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *