22 ઇંચ વરસાદથી બેટમાં ફેરવાયા ગામો- ઠેરઠેર પાણી ભરાતા સેંકડો લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ

હાલ અમદાવાદ(Ahmedabad), વલસાડ (Valsad)માં તારાજીના દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર(Chhotaudepur) જિલ્લાના બોડેલી (Bodeli)માં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ ખાબકતાં તબાહીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. બોડેલીના રજાનગરનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ, ટીવી અને ફ્રિજ સહિતનો તમામ સામાન પાણીમાં પલળી ગયો છે. કેટલોક સામાન તો વરસાદના પાણીમાં તણાઈ પણ ગયો છે. એને પગલે લોકો તંત્ર પાસેથી મદદની રાહ જોઈને બેઠા છે.

મળતી માહિતી અનુસાર, છોટાઉદપુર જિલ્લામાં અત્યારસુધીમાં 5700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 369 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વડોદરાથી ફાયરબ્રિગેડની 2 ટીમ બોડેલી પહોંચી ગઈ છે. આજે વરસાદ રોકાયો છે, પરંતુ અતિભારે વરસાદને પગલે છોટાઉદેપુર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મોટે પાયે નુકસાન થયું છે.

અમારી પાસે ખાવાની કોઈ વસ્તુ નથી:
તારાજીના પગલે દરેક લોકોને હાલાકી વેઠવી પડી છે. આ અંગે સ્થાનિક મહિલા ઉર્મિલાબેને જણાવ્યું હતું કે, પાણીમાં બધી વસ્તુઓ તણાઈ ગઈ છે. અમારી પાસે ખાવાની કોઈ વસ્તુ નથી. અમે રાતના ભૂખ્યા છીએ. સરકાર અમને કંઇક સહાય કરે. અમારી પાસે અનાજ કે કપડાં નથી. અમને કોઈ જોવા નથી આવ્યું. અમે નાનાં-નાનાં બાળકો સાથે રસ્તા પર આવી ગયાં છીએ. અમારાં બાળકો પણ ભૂખ્યાં છે. અમને સુવિધા કરી આપે એવી અમારી સરકાર સમક્ષ માંગ છે.

5700 લોકોનું સ્થળાંતર કરાયું:
છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસવાનું ચાલુ થતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. બોડેલીમાં ગઈકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 22 ઇંચ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં લોકોનાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયાં હતાં, જ્યારે વાહન વ્યવહારથી ધમધમતી અલીપુરા ચોકડી નદીના રૂપમાં ફેરવાઇ હતી.

આ સિવાય છોટાઉદેપુરમાં 13 ઇંચ, પાવીજેતપુરમાં 15 ઇંચ અને કવાંટમાં સૌથી વધુ 17 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે સૂકીભઠ્ઠ જિલ્લાની ઔરસંગ, હેરણ અને અશ્વિની નદી બે કાંઠે થઇ ગઇ છે. ભારે વરસાદને કારણે માર્ગો તૂટી જવાને કારણે વ્યવહાર બંધ થયો હતો, જ્યારે વરસાદી પાણીમાં ડૂબેલા 5700 લોકોનું સ્થળાંતર કરાયું છે.

છોટાઉદેપુરમાં પાણી ફરી વળતાં અનેક ગામો કપાયાં:
બોડેલીના દીવાન ફળિયા અને ઢોકલિયાના રજાનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યાં હોવાથી NDRF અને પોલીસની ટીમોએ મળીને 200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. બોડેલી, અલીપુરા ચોકડી અને છોટાઉદેપુર રોડ પરની સોસાયટી તેમજ દુકાનોમાં પણ પાણી ભરાયાં હતાં. નદીના પાણી ફરી વળતાં અનેક ગામો કપાયાં હતાં. લોકોની ઘરવખરી પણ પાણીમાં તણાઈ હતી. તેમજ લોકો પણ ફસાયા હોવાને કારણે NDRF દ્વારા રેસ્ક્યૂ હાથ ધરાયો હતો.

નસવાડીનાં 12 ગામ સંપર્કવિહોણાં:
જાણવા મળ્યું છે કે, ભારે વરસાદને પગલે નદી-નાળાં, કોતરો છલકાતાં અનેક ગામો સંપર્કવિહોણાં બન્યાં હતાં. તો નસવાડી તાલુકાનાં 12 ગામ અને કવાંટના બે રસ્તા બંધ કરાયાં હતાં. સંખેડા તાલુકામાં આવેલી ઉચ્છ નદીમાં વરસાદનું પાણી આવતાં જ બે કાંઠે આવી ગઇ હતી. ઉપરવાસના વરસાદના કારણે પાણી કાંઠા વિસ્તારમાં આવેલાં પાણેછ અને કડાછલા સંપર્કવિહોણા બન્યાં હતાં.

NDRFની ટીમ દ્વારા મોડી રાત સુધી વિસ્તારના લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાં ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળતાં તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી ખળખળ વહેતી થઈ છે. ઓરસંગ નદીના પાણીની આવકને કારણે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટનાં 28 જેટલાં પગથિયાં પાણીમાં ગરકાવ થયાં છે.

ક્વાંટ અને બોડેલીનો સંપર્ક કપાયો:
કવાંટમાં ધોધમાર 17 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અતિભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળતાં કવાંટનો નસવાડી તેમજ બોડેલી સાથેનો સંપર્ક કપાયો હતો. પાવીજેતપુરમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં નગરમાં તેમ જ તાલુકાનાં ગામડાંમાં ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેને પગલે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ સિવાય હજુ પણ આગામી રાજ્યમાં 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત રાજ્યમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. એની સાથે જ ભેજયુક્ત વાતાવરણને પગલે તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. નવસારી, વલસાડ અને સુરત તથા જૂનાગઢ તેમજ કચ્છ વિસ્તારમાં બે દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *