ધોરાજી તાલુકાનાં ૨૨ ગામોને ભાદર-૨નું દૂષિત પાણી અપાતું હોવાથી વ્યાપક વિરોધ અને આંદોલનો બાદ આ ૨૨ ગામોને મળતુ થયેલું નર્મદાનું પાણી છેલ્લા ચાર દિવસથી લાઈન લીકેજનાં રિપેરીંગનાં કારણે બંધ થઈ જતાં ફરી આ ગામોમાં ભાદર-૨નું દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે.
ધોરાજી પાણી પુરવઠા બોર્ડનાં અધિકારી અંકિત ગોહિલનાં જણાવ્યા મૂજબ દોરાજી ઉપલેટા હાઈ-વે પર ભુખી ચોકડી પાસે નર્મદાની પાઈપલાઈન લીકેજ થઈ છે જેનું કામ જી. ડબલ્યુ. આઈ. એલ. દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલમાં ધોરાજી તાલુકાના ૨૨ ગામને શનિવારથી પાણી બંધ થયું છે.
હજુ ત્રણ ચાર દિવસ રીપેરીંગ થતાં લાગશે ત્યાં સુધી નર્મદાનું પાણી મળશે નહીં તો ધોરાજી તાલુકાના ૨૨ ગામને પીવાના પાણીની વ્યવસ્થા કઈ રીતે કરી શકાય તે અંગે પાણી પુરવઠા બોર્ડનાં અધિકારીઓએ જણાવેલ કે જયાં સુધી નર્મદાનું પાણી નહીં મળે ત્યાં સુધી ભાદર-૨ ડેમમાંથી પાણી આપવામાં આવશે.
લાંબી લડત, આંદોલનો બાદ ૨૨ ગામોનાં રહેવાસીઓને નર્મદાનું પાણી મળતું થયું હતું. પરંતુ આ રાહત અલ્પજીવી નિવડી હોય તેમ ફરી ભાદર-૨નું દૂષિત પાણી વિતરીત કરાઈ રહ્યું છે.