અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ મામલે હાર્દિકની નિષ્ક્રિયતા બાદ સુરતના આંદોલનકારીઓએ પત્ર લખીને દર્શાવી નારાજગી

સુરત: પાટીદાર અનામત આંદોલનનું એપિસેન્ટર બનેલું દક્ષિણ ગુજરાતનું સૌરાષ્ટ્રની સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર એટલે સુરત. સુરતમાં હાર્દિક પટેલના આંદોલનને ટેકો આપનાર સૌથી વધુ પાટીદારો ની વસ્તી ધરાવતું શહેર છે. હાર્દિક પટેલ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થયા બાદ હજી સુધી અલ્પેશ કથીરિયા બાબતે કશું કર્યું નથી તેવા આરોપ સાથે સુરતના આંદોલનકારીઓએ એક પત્ર લખ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જે અહીં શબ્દશઃ રજુ કરેલ છે. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસે અલ્પેશ કથીરિયા કે પાટીદારો બાબતે પ્રેસકોન્ફરન્સ સિવાય કશું કર્યું નથી અને હાર્દિક પણ કોંગ્રેસ પાસે કશું કરાવી શક્યો નથી. આ પત્ર વાંચો વિગતે…

“તારીખ:-15-06-2019 વાર :- શનિવાર
પ્રતિ

હાર્દિક પટેલ
જય સરદાર સાથ જણાવવાનું કે અલ્પેશ કથીરીયા ચાર મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા છે અને આખા આંદોલન દરમ્યાન તારો પડ્યો બોલ ઝીલવામાં અલ્પેશ કથીરીયાએ ક્યારેય પીછેહઠ નથી કરી પરંતુ તારા દ્વારા બીજા કોઈ કન્વીનર દ્વારા કે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મુદ્દાને લઈને કોઈ સાર્થક પ્રયત્ન કરવામાં આવ્યો નથી આ જોઈને અનામત આંદોલનના કાર્યકર્તા તરીકે વ્યથિત છીએ અને દુઃખની લાગણી અનુભવીએ છીએ.
સમાજ પણ આ મુદ્દે તારા મૌનને લઈ ચિંતિત છે.
આગળ જે હું કહી રહ્યો છું એ તને નહીં ગમે એ વાત પણ હું સારી રીતે જાણું છું પરંતુ સાચું કહેવુ મારી ફરજ છે તને ગમે એવું લખીને મારે તારી પાસેથી કોઈ ટિકિટ માટે ભલામણ નથી કરાવવી અને તારી વાહવાહી કરી તને ખુશામતખોરી અને આત્મપ્રસંશામાં રચ્યો પચ્યો રાખી મારા હિતનું કામ નથી કરાવવું આગળ પણ તને તારું ધ્યાન દોરેલ અને તે વાત હું અહીં રજૂ કરી તને નીચો બતાવવા નથી માંગતો ત્યારે એ વાત પર ધ્યાન આપ્યું હોત તો આજસુધીની તારી સૌથી મોટી બદનામીમાંથી તું બચી શક્યો હોત પણ ત્યારે પણ મારી વાતને તે ધ્યાને નહીં લીધી પાછળથી એમનું પરિણામ તારે ભોગવવું પડ્યું.

ત્રણ વર્ષની લડાઈ હજી અધૂરી છે અનામત તો 10 % મળી છે પરંતુ આંદોલનકારીઓના કેસ પાછા નથી ખેંચાયા તેઓ કોર્ટ કચેરીના ધક્કાઓ ખાઈ રહ્યા છે અને શહીદ પરીવારોને ન્યાય હજી સુધી નથી મળ્યો
અલ્પેશ કથીરીયાને અધૂરી માંગણીઓ પુરી કરવાની જવાબદારી સાથે અનામત આંદોલનનું નેતૃત્વ સોંપી તું કોંગ્રેસમા જોડાયો સમાજના ઘણા લોકોને ગમ્યું અને ઘણા લોકોને ના ગમ્યુ પરંતુ એક આંદોલકારી તરીકે અમને એવી અપેક્ષાઓ જરૂર રહેતી કે વિરોધપક્ષ અમારી સરકાર સામેની લાગણી અને માંગણીમા સાથ નથી આપી રહ્યું એટલા માટે તારા કોંગ્રેસમાં જવાથી અમને એવી આશા જાગી કે વિરોધ પક્ષમાં રહેલ કોંગ્રેસ અમારો અવાઝ બનશે પરંતુ તારા જવાથી પણ વિરોધપક્ષ સમાજના મુદ્દાઓ પ્રત્યે પહેલાની જેમ જ સુષુપ્ત જ રહ્યો તો પછી તારા જવાથી સમાજને ફાયદો શુ ??

હા બે ચાર કન્વીનરો અને આંદોલનમાં આર્થિક મદદ કરનારને ટિકિટ મળશે એનાથી વિશેષ સમાજને ફાયદો થાય એવું હાલ કાઈ જ દેખાતું નથી અને ટિકિટ મળ્યા પછી પણ 2015 કે 2017 જેવો માહોલ નથી રહ્યો કે એ જીતી જાય કેમ કે કોંગ્રેસ પક્ષ પ્રજાના પ્રશ્નોને લઈને ક્યારેય પણ પ્રેસ કોન્ફરન્સથી આગળ રસ્તા પર ઉતરી આંદોલનની લડાઈ લડ્યો જ નથી .

2015 મા આંદોલનની શરૂઆત થઈ તારી પાસે કોઈ સુવિધાઓ નહોતી તારી ઉમર પણ નાની હતી તારી પાસે એટલી વિશેષ જાણકારી કે અનુભવ પણ નહોતો છતાં અનામતની માંગ એ સમાજનું દર્દ હતું અને તારા એક અવાઝ પર સમાજ રોડ પર આવી જતો કેમ કે મુદ્દો સાચો હતો અને તે લડાઈ પણ ખૂબ મહેનત અને ઈમાનદારીથી આગળ વધારી અને લોકોએ પણ દિલથી સહયોગ કર્યો પરંતુ આજે એ પરિસ્થિતિ નથી એ તું પણ જાણે છે એના માટે આત્મચિંતન તારે પણ કરવાની જરૂર છે અને સુધારો લાવીશ તો જરૂર આગળ વધીશ બાકી જો તારી આજુબાજુ રહેલા ખુશામતખોરોથી ઘેરાયેલો રહીશ તો તારું પતન કોઇ નહીં રોકી શકે.

ભાજપની નિતિઓનો વિરોધ કરતા તું પણ એ જ રસ્તે આગળ વધી રહ્યો છે જેમ ભાજપમાં કોઈની વાત સાંભળવામાં નથી આવતી અને મોદી અને શાહ કહે એટલું જ કરવાનુ અને એ લોકો એ જે રીતે એમના સાથીદારોને બાજુ પર રાખી આગળ વધી ગયા અને સંઘર્ષના સાથીદારો બાબુ બજરંગી જેવાને સતા આવ્યા પછી પણ જેલમુક્ત ના કરાવ્યા કેશુબાપા જેવા કર્મઠ વ્યકતીને ઘરે બેસાડી દીધા એવું જ તું પણ કરી રહ્યો છે પણ માફ કરજે ના કહેવું જોઈએ પણ કહી નાખું છું કે ભાઈ સારા માટે કહું છું “નકલ ને અક્કલ ના હોઈ” એવું થઈ રહ્યું છે.

બે હાથ જોડી એટલી જ વિન્નતી કે અલ્પેશ કથીરીયાની જેલમુકતીને લઈ સાચા દીલથી તન મનથી પ્રયત્ન કરવામાં આવે અને એકવાતનો ભય દિલમાંથી કાઢી નાંખજે કે એ માટે અવાઝ ઉપાડશું તો એમનું કદ વધી જશે કેમ કે કદ કોઈનું કોઈ વધારી શકતું નથી કે ઘટાડી શકતું નથી તારા જેલમાં હોવા સમયે બધાયે દિલથી પ્રયત્નો કરેલા અને કાર્યક્રમો પણ કરેલા હવે તારે કંઈક કરવું જોઈએ

ભૂલચૂક માફ કરજે અને જલ્દીથી સાર્થક પ્રયત્નો અને કાર્યક્રમ આપે એ જ આશા અને અપેક્ષા સાથે જય સરદાર …

લિ.
એક આંદોલનકારી”

આ પત્ર બાદ સુરતના અને ગુજરાતભરના પાટીદાર અનામત મળે તેવી લાગણી સાથે જોડાયેલા પાટીદારો માં હાર્દિક નિષ્ક્રિયતા બાબતે નારાજગી જોવા મળી રહી છે અને આગળના દિવસો માં કંઈક નવું ન થાય તો જ નવાઈ કહેવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *