2010માં તાતા મોટર્સ(Tata Motors) દ્વારા દેશની સૌથી નાની કારનું સપનું નેનો કાર(Nano car) સાણંદ પ્લાન્ટમાં બનાવી પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી અન્ય મોડલ અને ઇલેક્ટ્રિક વાહનોમાં સૌથી વધુ ઉત્પાદન કરતી કંપની બની ચૂકી છે. તાતા મોટર્સ દ્વારા ફોર્ડ ઇન્ડિયાના ગુજરાત(Gujarat)ના સાણંદ(Sanand) સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ(manufacturing plant)ને 725.7 કરોડ રૂપિયામાં હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને હસ્તાંતરણની તમામ કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે. તાતા મોટર્સ દ્વારા પોતાની પેટા કંપની દ્વારા આ ફોર્ડનો પ્લાન્ટ(Ford plant) ખરીદી લેવામાં આવ્યો છે. કંપની દ્વારા ગયા વર્ષે જ આ હસ્તાંતરણ અંગે જાણકારી આપવામાં આવી હતી. કંપની ફોર્ડના પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક પેસેન્જર કારનું ઉત્પાદન કરવામાં આવશે અને તેના ઇવી સેગમેન્ટને વેગ આપવામાં આવશે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે.
મહત્વનું છે કે, તાતા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં અત્યારે પેટ્રોલ-CNG અને EV મળીને કુલ સરેરાશ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1.5 લાખ યુનિટ્સ છે જ્યારે ફોર્ડના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા ત્રણ લાખ યુનિટ્સ છે આમ કુલ મળીને હવે તાતા મોટર્સની પાસે ઉત્પાદન ક્ષમતા 4.5 લાખ યુનિટ્સ પ્રતિ વર્ષ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ગુજરાત ઓટો હબ બની ચૂક્યું છે. દેશમાં કુલ ઉત્પાદન થતી કારમાં ગુજરાતનો હિસ્સો 40 %થી વધુ પહોંચી ગયો છે.
ઇલેક્ટ્રિક કારના ઉત્પાદનમાં ગુજરાત આગામી ટૂંક સમયમાં ટોચનું સ્થાન હાંસલ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં અત્યારે ટીયાગો, ટીગોર તથા એમજીની કાર બની રહી છે. તાતા મોટર્સના એક અધિકારીના જણાવ્યા મુજબ, આગામી સમયમાં ફોર્ડમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન થશે. કંપની દ્વારા આગામી સમયમાં અન્ય નવાં મોડલ રજૂ કરવામાં આવશે.
રાજ્યમાં કુલ મળીને 12-13 લાખથી વધારે પેસેન્જર કારની ઉત્પાદન ક્ષમતા છે. મારુતિએ કોરોના મહામારી પછી તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યા પછી તાજેતરમાં તાતા મોટર્સ દ્વારા ફોર્ડનો પ્લાન્ટ પોતાનો કરી ઉત્પાદન ક્ષમતાને વેગ આપવામાં આવશે. જેના પરિણામે ગુજરાતમાં પેસેન્જર કારની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ધોરણે વધી ગઈ છે અને 12-13 લાખ યુનિટ્સ પહોંચી ગઈ છે. માત્ર એટલું જ નહિ દેશમાંથી નિકાસ થતી પેસેન્જર કારમાંથી ગુજરાતનો હિસ્સો 75 % થી વધુ રહ્યો છે. એટલે એમ પણ કહી શકાય તે વિદેશમાં વેચાઈ રહેલી 10 કારમાંથી 7 કાર ‘મેડ ઇન ગુજરાત’ની છે.
ટાટા મોટર્સે એક નિયમનકારી ફાઈલિંગમાં માહિતી આપી છે કે, જરૂરી શરતો પૂરી કર્યા પછી, ટાટા મોટર્સે ફોર્ડ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને મશીનરી સાથે તેની ગુજરાતના સાણંદ ખાતે આવેલી મિલકત હસ્તગત કરી છે. તેમાં એવી શરતોનો પણ સમાવેશ થાય છે કે જેના આધારે TPEML અને FIPL બંનેએ નિયમનકારી મંજૂરીઓ અને વ્યવહારો પૂર્ણ કર્યા છે.
આ રેગ્યુલેટરી ફાઇલિંગમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, ફોર્ડના પ્લાન્ટમાં હાજર તમામ વાહન કર્મચારીઓ કે જેમને નોકરીની ઓફર કરવામાં આવી હતી અને જેમણે ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડની ઑફર સ્વીકારી હતી તેમને TPEML માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ પછી 10 જાન્યુઆરીથી, તે કર્મચારી ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડનો કર્મચારી બની ગયો છે.
90ના દાયકાની જો વાત કરવામાં આવે તો તાતા સન્સના ચેરમેન રહી ચુકેલા રતન તાતાના નેતૃત્વ અંતર્ગત તાતા મોટર્સ દ્વારા પ્રથમ કાર તાતા ઇન્ડિકા લૉન્ચ કરવામાં આવી હતી. જોકે તે સમયે તાતાની કારનું વેચાણ ખૂબ જ ઓછું થયું હતું. તેમાં સતત ખોટ પછી તાતા મોટર્સ દ્વારા પેસેન્જર કાર ડિવિઝનને વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ માટે USની કાર ઉત્પાદક કંપની ફોર્ડ મોટર્સ સાથે વાતચીત કરવામાં આવી હતી.
ત્યારે આ વાતચીત દરમિયાન ફોર્ડના ચેરમેન બિલ ફોર્ડે રતન તાતાની મજાક ઉડાવતા કહ્યું હતું કે, તમે કંઇ જાણતા જ નથી, તમે શા માટે પેસેન્જર કાર ડિવિઝન શું કર્યું? જો હું આ ડીલ કરી રહ્યો છું તો તે તમારા ઉપર મોટો ઉપકાર ગણાશે. આ અપમાન પછી રતન તાતા શાંત રહ્યા અને આ અંગે કોઇની સાથે અપમાનની વાત કરી ન હતી. ત્યાર પછી સમગ્ર ધ્યાન કંપનીના કાર ડિવિઝનને બુલંદી પર પહોંચાડવામાં લગાડી દીધું હતું. તેમની મહેનત રંગ લાવી અને અંદાજે 9 વર્ષ પછી 2008માં તાતા મોટર્સ સમગ્ર દુનિયાના માર્કેટમાં છવાઇ જવા પામી હતી અને કંપનીની કાર બેસ્ટ સેલિંગ કેટેગરીમાં ટોચના સ્થાન પર આવી પહોંચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.