ભારે વરસાદ 25 કરોડ તાણી ગયો: વડોદરામાં કાપડ, ફર્નિચર, કરિયાણાની દુકાનોમાં સામાન તબાહ, જુઓ તારાજીના વિડીયો

Heavy Rains In Vadodara: ગુજરાતના વડોદરામાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિશ્વામિત્રી નદીએ ગુરુવારે (25 જુલાઈ) સવારે 25 ફૂટના ખતરાના નિશાનને પાર કરી લીધું હતું. માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે વડોદરા(Heavy Rains In Vadodara) શહેર અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લગભગ 3,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પીટીઆઈના અહેવાલ મુજબ, વડોદરામાં ભારે વરસાદ બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે (25 જુલાઈ) શહેર અને જિલ્લામાં રાહત અને બચાવ કામગીરીની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા કરી હતી.

સમગ્ર શહેર પાણી પાણી
મુખ્યમંત્રીને જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરમાં લગભગ 14 ઇંચ (આશરે 355 મીમી) વરસાદ નોંધાયો છે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બુધવારે ભારે વરસાદ બાદ શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના જણાવ્યા અનુસાર શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. વિશ્વામિત્રી લગભગ 29 ફૂટ વહી રહી છે,

જે ખતરાના નિશાનથી 4 ફૂટ ઉપર છે. વડોદરામાં 24 જુલાઈએ પડેલા 14 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ હતી. આજે ચોથા દિવસે પણ વેપારીઓને કળ વળી નથી, કારણ કે કાપડબજાર, ફર્નિચરબજાર, કરિયાણાબજાર સહિતની બજારોમાં આવેલી દુકાનોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં હતાં, આથી દિવ્ય ભાસ્કરે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીમાં ડૂબેલી દુકાનો ખાતે પહોંચી હતી.

14 ઇચ વરસાદ ’25 કરોડ’ તાણી ગયો
જેમાં જાણવા મળ્યું છે કે, વડોદરાના વેપારીઓને 20 કરોડથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમજ ભારે વરસાદમાં 1 હજાર કાર તો 2 હજાર ટૂ-વ્હીલર બંધ પડી ગયાં છે, જેનાથી લોકોને 5 કરોડ જેટલા રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

કાપડના વેપારીઓને નુકસાન
વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના પ્રમુખ પરેશભાઈ પરીખે જણાવ્યું હતું કે 2019માં પડેલા ભારે વરસાદ અને પૂરને કારણે વડોદરાના વેપારીઓને અંદાજે રૂપિયા 60થી 70 કરોડનું નુકસાન થયું હતું. જ્યારે આ વખતે ભારે વરસાદને કારણે વડોદરાના વેપારીઓને રૂપિયા 20 કરોડ ઉપરાંત નુકસાન થયું હોવાનો અંદાજ છે. એમાં ખાસ કરીને રાવપુરા રોડ, એમજી રોડ, પ્રતાપનગર રોડ ઉપરના કાપડ, ફર્નિચરના વેપારીઓ સહિત અન્ય વેપારીઓને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત પ્રતાપનગર રોડ ઉપર ફર્નિચર સહિતની દુકાનોમાં પાણી ઘૂસી જવાના કારણે ભારે નુકસાન થયું છે.