600ની ભરતી, 25,000થી વધુ અરજદાર: એર ઈન્ડિયામાં ઈન્ટરવ્યૂ માટે 1 કિમી લાંબી લાઇન, જુઓ વિડીયો

Air India Mumbai: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બેરોજગારીની આવી તસવીર સામે આવી છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. અહીં કાલિનામાં, હજારો લોકોની ભીડ થોડી નોકરીઓ(Air India Mumbai) માટે ઇન્ટરવ્યુ આપવા માટે એકઠી થઈ હતી.

હકીકતમાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડે લોડર સ્ટાફની 600 જગ્યાઓ માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લીધા હતા. આ માટે દૂર-દૂરથી લોકો આવ્યા હતા. અહીં 25 હજાર લોકો નોકરી માટે આવ્યા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને, અરજદારોને ફક્ત તેમના બાયોડેટા સબમિટ કરવા અને પાછા જવા માટે કહેવામાં આવ્યું હતું.

ઇન્ટરવ્યુ સ્થળ પર ઉમેદવારોની ભારે ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ભીડને કારણે સમગ્ર વિસ્તારમાં જામ થઈ ગયો હતો. મુંબઈ નોર્થ સેન્ટ્રલના સાંસદ વંદના ગાયકવાડે એરપોર્ટની બહાર નોકરી શોધનારાઓની વિશાળ ભીડનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે બેરોજગારીને લઈને બીજેપીના નેતૃત્વવાળી એનડીએ સરકાર પર નિશાન સાધ્યું હતું.

આ સાથે દેશના યુવાનોના ભવિષ્યને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની ગંભીરતા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ગાયકવાડે ‘X’ પરની તેમની પોસ્ટમાં લખ્યું છે કે મુંબઈ એરપોર્ટ પર 600 પોસ્ટ માટે પચીસ હજારથી વધુ ઉમેદવારો ઈન્ટરવ્યુ આપવા આવ્યા હતા. તેમણે કહ્યું, ‘યુવાનોને રોજગાર જોઈએ છે, ખાલી વચનો અને ખોટા આંકડાઓ નહીં. આખરે આ સરકાર દેશના યુવાનોના ભવિષ્ય માટે ક્યારે ગંભીર થશે?

અગાઉ, આવી જ એક ઘટના ગુજરાતના ભરૂચ જિલ્લામાં જોવા મળી હતી, જ્યાં એક ખાનગી કંપનીમાં માત્ર 10 પોસ્ટની ખાલી જગ્યા માટે લેવામાં આવેલા ઇન્ટરવ્યુ માટે લગભગ 1800 ઉમેદવારો લાઇનમાં ઉભા હતા. આ ભીડને કારણે ત્યાં લગાવેલી રેલિંગ પણ તૂટી ગઈ હતી.