બદ્રીનાથ હાઈવે પર આખેઆખો પહાડ નીચે આવ્યો, રસ્તો બ્લોક; જુઓ લેન્ડસ્લાઈડનો LIVE વિડીયો

Badrinath Landslide: ચોમાસું આવતાની સાથે જ ઉત્તરાખંડના લોકો પર મુસીબતોનો વરસાદ શરૂ થઈ ગયો છે. બુધવારે ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે પર પાતાળ ગંગા પાસે પર્વત પર ભૂસ્ખલન થતાં અરાજકતા સર્જાઈ હતી. ભૂસ્ખલનનો(Badrinath Landslide) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચમોલી પોલીસે પણ આ વીડિયો શેર કર્યો છે અને ઘટનાની માહિતી આપી છે. ઉંચા પહાડ પરથી મોટા મોટા પથ્થરો પડતા જોઈને નજીકમાં હાજર લોકો જીવ બચાવવા સલામત સ્થળે દોડી ગયા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

ભૂસ્ખલનન ભયાનક વીડિયો સામે આવ્યો
ઉત્તરાખંડમાંથી ભૂસ્ખલનનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. ઉત્તરાખંડના ચમોલીમાં આજે તા.10 જુલાઈના રોજ બુધવારે મોટા ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે, જેના કારણે વાહનોની અવરજવરમાં વિક્ષેપ પડ્યો છે. આ મોટો ભૂસ્ખલન ચમોલી જિલ્લાના પાતાળ ગંગા વિસ્તારમાં થયો છે. 37 સેકન્ડના વીડિયોમાં પહાડીનો મોટો ભાગ તૂટીને રોડ પર પડતો જોવા મળે છે. લોકો ગભરાઈને બૂમો પાડતા અને ભાગતા સાંભળી શકાય છે.

લોકોમાં ભારે ડર જોવા મળ્યો
આ વીડિયોમાં પર્વતનો એક વિશાળ હિસ્સો તુટીને જમીન પર પડે છે, જેમાં બંને બાજુ લોકો દેખાય છે. વાયરલ વીડિયોમાં પહાડીનો મોટો ભાગ તૂટીને રોડ પર પડતો જોવા મળી રહ્યો છે, જેના કારણે નેશનલ હાઈવે બ્લોક થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર આ ઘટના જોશીમઠના ચુંડુ ધારમાં બની હતી. વિડિયોમાં કેટલાક પ્રવાસીઓ પોતાના મોબાઈલ ફોનમાં વિનાશને કેદ કરતા પણ જોવા મળે છે. જ્યારે અન્ય લોકો ગભરાઈને બૂમો પાડીને સલામત સ્થળો તરફ ભાગતા જોવા મળે છે. 37 સેકન્ડના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઊંચા પહાડ પરથી કેટલા મોટા પથ્થરો તૂટીને નીચે પડી રહ્યા છે. પાતાળ ગંગા સુરંગ પર પથ્થરના ટુકડા પડતા જોઈને ત્યાં હાજર લોકો ડરી ગયા.

ભૂસ્ખલન અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું
નોંધનીય છે કે હવામાન વિભાગે ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની યલો એલર્ટ જારી કરી છે. ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ અને હરિદ્વારમાં કેટલીક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ટિહરી, દેહરાદૂન, પૌરી, પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ અને ઉધમ સિંહ નગરમાં મોટા ભાગના સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

આ દિવસોમાં ઉત્તરાખંડમાં ચોમાસાના આગમન બાદ મુશળધાર વરસાદ ચાલુ છે. ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે ચારધામ સહિતના પર્વતીય માર્ગો પર મુસાફરોની મુશ્કેલી વધી છે. જો અહેવાલોનું માનીએ તો ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે 200 થી વધુ રસ્તાઓ પર વાહનવ્યવહાર અટકી પડ્યો છે.