જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir): પુલવામા હુમલાની આજે ત્રીજી વરસી છે. 14 ફેબ્રુઆરી 2019 ના રોજ, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી લગભગ 2500 સૈનિકોને લઈને સીઆરપીએફનો કાફલો 78 બસોમાં પસાર થઈ રહ્યો હતો. તે દિવસે પણ રસ્તા પર સામાન્ય અવરજવર હતી. CRPF કાફલો પુલવામા પહોંચ્યો હતો, જ્યારે રસ્તાની બીજી બાજુથી આવતી એક કાર CRPFના કાફલા સાથે આગળ વધી રહેલા વાહન સાથે અથડાઈ હતી. સામેથી આવી રહેલી SUV સૈનિકોના કાફલા સાથે અથડાતાં જ તેમાં વિસ્ફોટ થયો હતો. આ ઘાતક હુમલામાં 40 CRPF જવાન શહીદ થયા હતા.
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, થોડીવાર માટે બધું ધુમાડામાં ફેરવાઈ ગયું. ધુમાડો હટતા જ ત્યાંનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે, આખો દેશ તેને જોઈને રડી પડ્યો. તે દિવસે પુલવામામાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર સૈનિકોના મૃતદેહો અહીં-ત્યાં વિખરાયેલા હતા. ચારેબાજુ લોહી અને સૈનિકોના શરીરના ટુકડા દેખાતા હતા. સૈનિકો તેમના સાથીઓને શોધવામાં વ્યસ્ત હતા. સેનાએ બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘાયલ બહાદુરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો.
જૈશના નિશાના પર 2500 સૈનિકો હતા
સૈનિકોનો કાફલો જમ્મુના ચેનાની રામા ટ્રાન્ઝિટ કેમ્પથી શ્રીનગર જવા રવાના થયો હતો. વહેલી સવારે નીકળેલા સૈનિકો સૂર્યાસ્ત પહેલા શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતેના ટ્રાન્ઝિટ કેમ્પમાં પહોંચવાના હતા. આ યાત્રા લગભગ 320 કિલોમીટર લાંબી હતી અને સવારના 3:30 વાગ્યાથી સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા. જમ્મુથી 78 બસોમાં 2500 સૈનિકોને લઈને કાફલો રવાના થયો હતો. પરંતુ પુલવામામાં જ જૈશના આતંકીઓએ આ જવાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં અનેક જવાનો શહીદ થયા હતા. સૈનિકોના આ કાફલામાં ઘણા સૈનિકો રજા પૂરી કરીને ફરજ પર પરત ફર્યા હતા. તે જ સમયે, હિમવર્ષાને કારણે જે સૈનિકો શ્રીનગર જવાના હતા તેઓ પણ તે જ કાફલાની બસોમાં મુસાફરી કરી રહ્યા હતા. જૈશ તમામ 2500 સૈનિકોને નિશાન બનાવવા માંગતો હતો.
જૈશે એક ટેક્સ્ટ મેસેજ મોકલીને હુમલાની આપી હતી માહિતી
હુમલા બાદ સીઆરપીએફ ઓફિસરે આ હુમલાની માહિતી આપી હતી. તેણે તે સમયે કહ્યું હતું કે, કાફલામાં લગભગ 70 બસો હતી અને તેમાંથી એક બસ પર હુમલો થયો હતો. કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે આતંકી સંગઠન જૈશે ટેક્સ્ટ મેસેજ મોકલીને હુમલાની જવાબદારી લીધી હતી. જૈશે આ મેસેજ કાશ્મીરની ન્યૂઝ એજન્સી જીએનએસને મોકલ્યો હતો.
જૈશે રત્નીપોરા એન્કાઉન્ટરનો લીધો હતો બદલો
જ્યારે સીઆરપીએફ જવાનોને લઈ જતી બસ પુલવામાના અવંતીપોરાથી પસાર થઈ રહી હતી, તે જ સમયે એક કાર બસ સાથે અથડાઈ હતી. આ કાર હાઈવે પર પહેલેથી જ પાર્ક કરેલી હતી. બસ અહીં પહોંચતા જ જોરદાર વિસ્ફોટ થયો હતો. જ્યાં હુમલો થયો હતો ત્યાંથી શ્રીનગરનું અંતર માત્ર 33 કિલોમીટર હતું અને કાફલાને પહોંચવામાં માત્ર એક કલાકનો સમય બાકી હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સૈનિકોના શરીર પણ ઉડી ગયા. આ હુમલાને જૈશ દ્વારા બદલો ગણવામાં આવ્યો હતો. હુમલાના બે દિવસ પહેલા પુલવામાના રત્નીપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં જૈશનો એક આતંકી માર્યો ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.