જમ્મુ(Jammu news)માં શુક્રવારે એટલે કે ગઈકાલના રોજ એક મોટો અકસ્માત થયો જ્યારે કટરાથી જમ્મુ જઈ રહેલી બસમાં અચાનક જ આગ(jammu katra bus fire) ફાટી નીકળી હતી. આ બસ કટરાના નોમાઈ વિસ્તારથી જમ્મુ જઈ રહી હતી. કટરાથી દોઢ કિલોમીટર દૂર ખરમાલ વિસ્તાર પાસે શંકાસ્પદ સંજોગોમાં બસમાં આગ લાગી હતી. આ ઘટનામાં વૈષ્ણો દેવીથી પરત ફરી રહેલ 4 લોકોના કરૂણ મોત થયા હતા જ્યારે 22 લોકો આગને કારણે દાઝી ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બસના એન્જિનમાં આગ લાગી હતી અને જોતા જ તે આખી બસમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મુસાફરોને બચાવવા કે બસમાંથી બહાર કાઢવાનો સમય નહોતો. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ફોરેન્સિક ટીમ ઘટનાની તપાસમાં લાગેલી છે:
આ દુર્ઘટના વિશે માહિતી આપતા એડીજીપી જમ્મુએ ટ્વીટ કર્યું કે કટરાથી જમ્મુના માર્ગ પર, એક લોકલ બસ જેનો નંબર JK14/1831 છે તે કટરાથી લગભગ 1 કિમી દૂર પહોંચી હતી જેમાં અચાનક આગ લાગી ગઈ હતી. તેમણે કહ્યું કે રાહત બચાવ ટીમો સ્થળ પર તૈનાત છે. જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશકે કહ્યું કે અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં વિસ્ફોટકોનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું નથી પરંતુ ફોરેન્સિક ટીમ તપાસમાં વ્યસ્ત છે.
આ ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું કે બસમાં આગ લાગતાની સાથે જ લોકો બસની અંદર-અંદર દોડવા લાગ્યા હતા. બસની અંદર આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવાનો સમય નહોતો. તમામ મુસાફરો બહાર આવ્યા ત્યાં સુધીમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.