સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી જળબંબાકાર- એક કલાકમાં 4-4 ઈંચ વરસાદ ખાબકતા ખેતરો થયા પાણી-પાણી

Heavy Rain In Saurashtra: સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ચાલુ રહેતાં ઘરતી પુત્રો પર આફતનાં વાદળો છવાયાં છે. ઉનાળુ પાકમાં હાલ મગ, તલ અને બાજરીના પાકને કમોસમી વરસાદને કારણે વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. ગઈકાલે સાંજે રાજકોટ જિલ્લાના કલાણા અને પાટણવાવમાં એક કલાકમાં જ અનરાધાર 4-4 ઈંચ વરસાદ ખાબક્યો હતો, ત્યારે ઉપલેટા અને ધોરાજીમાં એક કલાકમાં 2-2 ઈંચ કમોસમી વરસાદ પડ્યો હતો.

ધોરાજીના પાપટવાવના ઓસમ ડુંગર પરથી પાણીનો ધસમસતો ધોધ વહેતાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં હતાં. આ સિવાય જેતપુર, જસદણ પંથકમાં પણ ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો. છત્રાસા, ભાડેર, કલાણા અને પાટણવાવ ગામે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઇ હતી.

ધોરાજી તાલુકાના છત્રાસા, કલાણા, ચિચોડ અને રવની સહિતનાં ગામોમાં વીજળીના કડાકાભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો હતો, તેના પગલે ગ્રામ્ય વિસ્તારમાં ખાલી પડેલા તમામ ચેકડેમો ઓવરફ્લો થઇ ગયા હતા. તેના કારણે ઓસમ ડુંગર પરથી પાણીનો ધોધ વહ્યો હતો અને ખુબજ નુકશાન થયું હતું. કમોસમી વરસાદના કારણે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.

ગઈકાલે ઉપલેટામાં સાંજના સમયે એક કલાકમા બે ઈંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. મોટીવાવડી, ગઢાળા, ધોરાજીના સુપેડીસહિતના વિસ્તારોમા એકથી દોઢ ઈંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે બીજી તરફ રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં જસદણ અને જામકંડોરણામાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી મુજબ ધોરાજી ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો. જયારે છત્રાસા, કલાણા, ભાડેર અને પાટણવાવ ગામે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઇ હતી. કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *