દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ જોઇને એ જ નથી જણાઈ રહ્યું કે દેશની દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે. દરરોજ ન જાણે કેટલીય દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમુક કિસ્સાઓ તો સમાજમાં બદનામીના ડરને કારણે સામે પણ આવતા નથી. ત્યારે હાલ આવી જ દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગોમટા ગામમાં માત્ર ચાર વર્ષીય બાળકી પર તેના નરાધમ પાડોશીએ જ દુષ્કર્મ આચર્યું હતું.
ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો, આ બાળકી પોતાના પરિવાર સાથે ગોંડલના ગોમટા ગામે રહેતી હતી. ગત તા.8ના રોજ તેમની વાડીએ ઘઉં લણવાનું ચાલતું હતું. આ દરમિયાન તેમના પતિ, સાસુ અને સસરા વાડીએ હતા, જયારે બાળકી અને તેની માતા ઘરે હતા. આ જ દિવસે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં પાડોશમાં રહેતો તીર્થક પણ બાળકીના પિતાની વાડીએ ગયો હતો અને ત્યાંથી બાળકીના પિતાનું બાઇક લઇને પરત આવ્યો હતો, પિતાનું બાઇક આવતા એ ચાર વર્ષની માસૂમ બાળકીને લાગ્યું હતું કે પપ્પા આવ્યા અને તેણે પોતાની માતા પાસે જઇને કહ્યું પપ્પાનું બાઇક આવ્યું.
બાળકીની માતાને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેની પુત્રી સાથે અડધી કલાકમાં શું થયું:
તે સાથે જ તે ઘરની બહાર નીકળતા પાડોશી 17 વર્ષના શખ્સે બાળકીને પોતાના ઘરે બોલાવી હતી. આ દરમિયાન શખ્શની માતા સાંજે ચાલવા ગઈ હતી અને આ સમયગાળાનો ફાયદો ઉઠાવી નરાધમે બાળકીને પીંખી હતી. ત્યારબાદ શખ્સની માતા 20 મિનિટ પછી ઘરે પરત ફરતા શખ્શ બાળકીને તેના ઘરે મૂકી આવ્યો હતો. ત્યારે બાળકીની માતાને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેની પુત્રી સાથે અડધી કલાકમાં શું થયું છે.
આ પછી બાળકી લઘુશંકા કરવા જતાં તેના ગુપ્તભાગેથી લોહી પડવા લાગ્યું હતું, જે જોઇને માતાની આખો ફાટી ગઈ હતી. ત્યારે કશુંક અજુગતું થયાની તેને શંકા ઊઠતાં જ પુત્રીને વિશ્વાસમાં લઇને માતાએ અનેક સવાલો કર્યા હતા. તેથી માસૂમે કાલીઘેલી ભાષામાં કહ્યું હતું કે, ભાઇએ મારા કપડાં કાઢી નાખ્યા હતા અને તેણે પણ પોતાનું પેન્ટ કાઢી ગુપ્ત ભાગે કૃત્ય કર્યું હતું. બાળકીની આ વાત સાંભળતાની સાથે જ માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
બાળકીના પિતાએ ફડાકો ઝીંકતા હકીકત બહાર આવી:
ત્યારબાદ માતાએ આ સમગ્ર ઘટનાની જાણ તેણે ફોન કરીને પતિને કરી હતી. ત્યારે બાળકીના પિતાએ તે 17 વર્ષના શખ્સ અને તેની માતાને બોલાવતા શરૂઆતમાં તો તે શખ્સે કંઇ કર્યાનો ઇનકાર કર્યો હતો પરંતુ બાળકીના પિતાએ ફડાકો ઝીંકતા જ તેણે તે તમામ વાત કરી હતી. સાથે જ બાળકીના ગુપ્તભાગે ઇજા થવાથી તેને ખૂબ જ લોહી પણ વહ્યું હતું. આ પછી નરાધમનો પિતા ઘરે આવ્યો ત્યારે તેની પાસે બાળકીનો પિતા ગયો હતો અને તેણે તેના પુત્રના કરતૂતોની જાણ કરતા તેણે પણ પોતાના પુત્રને ફડાકો મારી રોષ ઠાલવ્યો હતો.
બાળકીના પરિવારને ધમકાવવાનું શરૂ કર્યું:
નરાધમના પિતાએ પોતાના દીકરા પર પોલીસ ફરિયાદ ન થાય તે માટે બાળકીના પિતા અને દાદાને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આ વખતે બાળકીના માતા-પિતા, દાદા-દાદીએ રડતી આંખે હાથજોડીને કહ્યું હતું કે, સાહેબ અમે ગરીબ માણસો છીએ, અમારી દીકરીને પીંખી નાખી છતાં અમે કંઇ કરી શકતા નથી, અમારે ફરિયાદ તો કરવી છે પરંતુ તે લોકો માથાભારે છે, અમારું જીવવું દોહ્યલું કરી દેશે, સતત ધમકી આપે છે, ઘટના જાહેર થયાના છ દિવસ વીતી ગયા છે છતાં આ બાળકીના પરિવારને મદદે કોઇ પહોંચ્યું નથી.
પિતાએ કહ્યું હું તેનો બાપ છું, મારી દીકરી સાથે શું થયું તમને કેવી રીતે કહું:
આ ઉપરાંત બાળકીના પિતા રડવા લાગ્યા હતા અને તેમણે હાથજોડીને કહ્યું હતું કે, સાહેબ હું તેનો બાપ છું, મારી દીકરી સાથે શું થયું તમને કેવી રીતે કહું, તે રડવા લાગતા તેના પત્નીએ ભીની આંખે સમગ્ર માહિતી આપી હતી, પરંતુ તે વખતે બાળકીના માતા-પિતાની જે સ્થિતિ હતી તે સ્થિતિ ઘટનાની ગંભીરતા દર્શાવતી હતી. સાથે જ બાળકીની દાદીએ કહ્યું હતું કે, હવે કોઇ પુરુષને જોવે છે ત્યારે તેનાથી ડરી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.