રાજકોટમાં શરદીની દવાના ઘેનમાં માતાથી થઇ ગઈ ભૂલ અને ફૂલ જેવા 40 દિવસના બાળકને મળ્યું મોત

હાલમાં જ રાજકોટમાંથી(Rajkot) એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહી માતાએ પોતાને થયેલી શરદીનો ચેપ પોતાના વ્હાલસોયા પુત્રને ન લાગે એ માટે માતાએ 40 દિવસના પોતાના પુત્રને રાત્રે પડખાથી નીચે બાજુમાં સુવડાવ્યો હતો અને પોતે શરદીની દવા પીને સૂઇ ગઇ હતી. એ માતાને ક્યાં ખબર હતી કે જેને પોતાનાથી એક સેકન્ડ માટે પણ દૂર નથી કર્યો તે પુત્ર પોતાના જ ભારથી દબાઈને હંમેશાં માટે વિદાય લઇ લેશે. આ ઘટના રાજકોટ શહેરના નીલકંઠ પાર્કમાં બની હોવાનું જાણવા મળ્યું છે.

જાનિયાણી પરિવારમાં શોકનો માહોલ છવાયો:
એક રીપોર્ટ અનુસાર, 40 દિવસના આ માસૂમ મૃતકનું નામ વેદ રવિભાઇ જાનિયાણી છે. તે કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રહેતો હતો. રવિવારે વહેલી સવારે તેની માતાના પગ નીચે દબાઇ જતાં ગૂંગળાઇ ગયો હતો. ત્યારબાદ માસૂમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું.

રવિભાઇ જાનિયાણી જેઓને પૂઠા બનાવવાનું કારખાનું છે, તેમને ત્યાં ચાલીસ દિવસ પૂર્વે જ પુત્રની પ્રાપ્તિ થઇ હતી, પુત્રના જન્મથી જાનિયાણી પરિવારમાં ખુબ જ ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી થોડા દિવસ માટેની જ હતી તેનો જાનિયાણી પરિવારને સ્વપ્નેય ખ્યાલ નહોતો. રવિભાઇનાં પત્ની કાજલબેનને બે દિવસથી શરદી થઇ હતી, પોતાની શરદીનો ચેપ પોતાના વહાલસોયા બાળક વેદને લાગુ ન પડે તેની માતા કાજલબેન સતત કાળજી રાખતા હતા.

પુત્રને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો:
મળેલી માહિતી અનુસાર, કાજલબેને શનિવારે રાત્રે શરદીની દવા પીધી હતી અને પુત્રને શરદીનો ચેપ ન લાગે એ માટે તેને પોતાની બાજુમાં સુવડાવવાને બદલે થોડે નીચે કમર પાસે સુવડાવ્યો હતો. ત્યારબાદ કાજલબેન તથા તેનો પુત્ર વેદ સૂઇ ગયા હતા. આ પછી જયારે રવિવારે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં રવિભાઇ જાગ્યા હતા ત્યારે પત્ની પાસે સૂતેલા પુત્રની સ્થિતિ જોઈને તેઓ ચોકી ગયા હતા.

માતા કાજલબેનના પગ નીચે પુત્ર વેદ દબાયેલો જોવા મળ્યો હતો, રવિભાઇએ તાત્કાલિક પણે પત્નીને ઉઠાડી પુત્રને બહાર કાઢ્યો હતો, પરંતુ પુત્રની હાલત ખુબ જ ગંભીર હતી. બાળક બેભાન થઇ ગયો હતો, તેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે આ બાળકનું મૃત્યુ થયું હતું. એકના એક પુત્રના મોતથી સમગ્ર પરિવારમાં શોકનું વાતાવરણ છવાય ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *