ઉત્તર બ્રાઝીલમાં અલ્ટામીરા જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 57 કેદીઓના મોત થયા છે. જેમાંથી 16 કેદીઓના માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યા હતાં. જ્યારે આગ લગાડવાને કારણે બીજા 41 કેદીઓ મૃત્યુ પામ્યા હતાં. બ્રાઝીલમાં કેદીઓની હત્યા સામાન્ય વાત છે પણ એક સાથે 57 કેદીઓની હત્યા એક અસામાન્ય ઘટના છે.
પેરા રાજ્યના જેલ અધિકારીઓએ પણ આ ઘટનાને સમર્થન આપ્યું છે. જેલમાં રિયો ડિ જેનેરિયોના કોમાન્ડો વર્મેલો અને સ્થાનિક અપરાધી સમૂહ કોમાન્ડો કલાસે એની વચ્ચે સવારે સાત વાગ્યે લડાઇ શરૂ થઇ ગઇ હતી. અધિકારીઓએ જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કોમાન્ડો વર્મેલોના સભ્યોને જે રૂમમાં રાખવામાં આવ્યા હતા તે રૂમમાં કોમાન્ડો કલાસે એના સભ્યોએ આગ લગાવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આગને કારણે પોલીસ અનેક કલાકો સુધી ઇમારતમાં પ્રવેશી શકી ન હતી. કેદીઓના એક જૂથે બીજા જૂથના 16 અપરાધીઓના માથા ધડથી અલગ કરી દીધા હતાં. કેદીઓએ જેલમાં હાજર બે કેદીઓને પણ બંધક બનાવી લીધા હતાં. જો કે તેમને અંતે મુક્ત કરાવી લેવામાં આવ્યા હતાં. બ્રાઝીલની જેલોમાં ગેંગવોર એક સામાન્ય બાબત છે અને ત્યાંના રાજકારણમાં પણ જેલ સુધાર એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. બ્રાઝીલના દક્ષિણપંથી પ્રમુખ જેયર બોલસાનારોએ પણ આ ચૂટણીમાં જેલ સુધારને એક મહત્ત્વપૂર્ણ મુદ્દો બનાવ્યો હતો.
જે જેલમાં 57 કેદીઓની હત્યા કરવામાં આવી છે તે અલ્ટામિરા જેલની ક્ષમતા 200 કેદીઓની છે. આમ છતાં આ જેલમાં ક્ષમતાથી વધુ 311 કેદી રાખવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે મે મહિનામાં અમાજોનાસ પ્રાંતની જેલોમાં થયેલી હિંસક અથડામણમાં 55થી વધુ કેદીઓના મોત થયા હતાં. ડ્રગ્સના ધંધા ઉપર પ્રભુત્ત્વ જમાવવા માટે જેલમાં થયેલી ગેંગવોરમાં 2017માં 120થી વધુ કેદીઓની હત્યા કરવામાં આવી હતી.