કુદરતે આ શું ધાર્યું છે! ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટએટેકથી 9 લોકોના મોતથી છવાયો શોકનો માહોલ

9 people dies heart attacks in Gujarat: ગુજરાતમાં દિવસે ને દિવસે હાર્ટ-એટેકના બનાવોમાં ખુબ વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 9 લોકોનાં હૃદય બંધ પડી ગયાં છે. નવરાત્રિ દરમિયાન ગરબા રમતાં રમતાં ત્રણ લોકોને હાર્ટ-એટેક આવતાં તેમનાં મોત નીપજ્યાં છે.અમદાવાદનો 24 વર્ષીય યુવક 2 કલાકમાં ગરબા રમીને આવું છું, કહીને ઘરેથી નીકળ્યો હતો.તેને ચાલુ ગરબામાં હાર્ટ-એટેક આવતાં તે ઢળી પડ્યો હતો.તો કપડવંજમાં 17 વર્ષીય કિશોરને પણ ગરબા રમતા હાર્ટ-એટેક આવતાં મોત નીપજ્યું હતું.

વડોદરામાં બે દિવસથી ગરબા રમતા 13 વર્ષનું હૃદય બંધ પડી જતા તેનું મોત નીપજયું છે.વડોદરામા જ એક સોસાયટીમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમી રહેલા 55 વર્ષીય આધેડના મોતથી ચકચાર મચી ગયો છે.રાજકોટમાં વધુ 2ના હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.જેમાં મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન એટેક આવતાં શખસ મોતને ભેટ્યો હતો,આ સાથે જ દ્વારકામાં પણ બે વ્યક્તિનાં હાર્ટ-એટેકથી મોત થયાંની નોંધ થઈ છે. નવરાત્રિના માહોલ વચ્ચે હાર્ટ-એટેકના 9 કેસ સામે આવતા ખેલૈયામાં ડરનો માહોલ છવાયો છે.

ડભોઇમાં 13 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત
વડોદરાના ડભોઇમાં માત્ર 13 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થયું છે. આયુષ સોસાયટીમાં રહેતા વૈભવ સોનીનું ઉલટી થયા પછી એકાએક હાર્ટ બંધ થઈ ગયું હતું. મૃતક બાળક ધોરણ 6માં અભ્યાસ કરી રહ્યો હતો, દીકરાના મોતથી પરિવાર માથે આભ ફાટી પડ્યું છે.

રિક્ષામાં જ ઢળી પડ્યો ને મોત નીપજ્યું
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, માંજલપુર સોમનાથનગરમાં રહેતો 35 વર્ષનો જગદીશ રમેશભાઇ પવાર રિક્ષા ડ્રાઇવિંગ કરી રહ્યો છે. તે ગઇકાલે સાંજે ઘરેથી રિક્ષા લઇને નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક તે ઢળી પડતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, રિક્ષાચાલકને એટેક આવ્યો હતો. જોકે, મોતનું સાચું કારણ જાણવા માટે ડોક્ટરે વિશેરા તપાસ માટે મોકલી આપ્યા છે.

માતાને બે કલાકમાં આવું કહી યુવક ઘરેથી નીકળ્યો ને…
અમદાવાદના નારોલમાં રહેતો 28 વર્ષીય યુવક રવિ પંચાલ ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. રવિના પરિવારમાં તેની માતા જ હતી. રવિના આધારે જ ઘરનું ગુજરાન ચાલી રહ્યું હતું. માતાનો એકનો એક સહારો ગઈકાલે રાતે ‘હું ગરબા રમવા જઉં છું, 2 કલાકમાં પાછો આવીશ’ કહીને ઘરેથી નીકળ્યો હતો. તે તેના 7-8 મિત્ર સાથે હાથીજણના વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે ગયો હતો, જ્યાં ગરબા રમતાં રમતાં અચાનક જ રવિ પાર્ટીપ્લોટમાં ઢળી પડ્યો હતો.

ત્યાં આસપાસના રમી રહેલા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને રવિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા 108ને પણ ફોન કરી દીધો હતો, પરંતુ તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. માતાને 2 કલાકમાં આવવાનું કહીને પરત ના આવનારા દીકરાની માતા રાહ જોઈ રહ્યાં હતાં, પરંતુ માતાને દીકરાના મોતના સમાચાર મળ્યા હતા. એકના એક દીકરાનું મોત થતાં માતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે તથા જીવનભરનો સહારો પણ ગુમાવી દીધો છે.

યુવકને કોઈ જાતની બીમારી નહોંતી
મળતી માહિતી અનુસાર, રવિને કોઈ બીમારી કે તકલીફ નહોતી. અગાઉ કોરોના પણ થયો નહોતો. રવિએ ગરબા રમતાં રમતાં જ અચાનક છાતીમાં દુખાવાની મિત્રોને જાણ કરી અને ત્યાં ઢળી પડ્યો હતો અને સ્થળ પર જ મોત થયું હતું. રવિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં ગરબા રમતા રમતા હાર્ટ-એટેકના કારણે મોત થયા હોવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

કપડવંજમાં ગરબે ઘૂમતાં ઘૂમતાં જ કિશોર ઢળી પડ્યો
ખેડા જિલ્લાના કપડવંજમાં રહેતા સામાજિક કાર્યકર રિપલ શાહનો 17 વર્ષીય પુત્ર વીર ગતરોજ છઠ્ઠા નોરતે ગરબા રમતો હતો, તેના એકાએક હાર્ટ-એટેક આવતાં ચાલુ ગરબાએ ગરબાના ગ્રાઉન્ડમાં જ ઢળી પડ્યો હતો અને તેના નાકમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. આ જોઈ આસપાસના ખેલૈયાઓ તેમજ ગરબા-આયોજકો દોડી આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તપાસ કરી મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો.

બિલ્ડરનું બેભાન થયા બાદ મોત
રાજકોટમાં 24 કલાકમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે. શહેરના રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર જયેશ ઝાલાવડિયા (ઉં.વ. 44)ને તેમના નિવાસસ્થાને સવારે 7 વાગ્યાની આસપાસ તેમને હાર્ટ એટેક આવતા બેભાન થઈ ગયા હતા. પરિવારના લોકો તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલ સારવારમાં માટે લાવ્યા હતા. અને ત્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જયેશભાઈના અણધાર્યા મોતને પગલે પરિજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *