91st Birth Mahantaswami: તા. 26 સપ્ટેમ્બર 2024ના રોજ ભગવાન સ્વામિનારાયણનું સ્મૃતિપર્વ, વિશ્વવંદનીય પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિપર્વ તથા પ.પૂ.મહંતસ્વામી મહારાજની (91st Birth Mahantaswami) 91મી જન્મજયંતીના ત્રિવેણી ઉત્સવની ઉજવણી મુંબઈમાં ગોરેગામ ખાતે NESCO માં ધામધૂમથી ઉજવવામાં આવી હતી.
આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને વધાવવા અને તેમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવા BAPS સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશમાંથી
400થી વધુ સંતો પધાર્યા હતા. પાંચેય ખંડની ધરતી પરથી પોતાના ગુરુહરિના દર્શન માટે ત્રીસ હજારથી અધિક હરિભક્તો તત્પર બન્યા હતા.
આ આધ્યાત્મિક કાર્યક્રમની શરૂઆત ધૂન અને કીર્તનથી થઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય જ્ઞાનનયનદાસ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત કાર્યોની સ્મૃતિ કરતા કહ્યું કે સાચા સંતમાં ભગવાનનો સાક્ષાત નિવાસ હોય છે અને આજે મહંત સ્વામી મહારાજના જન્મદિવસે ભગવાનની હાજરી અનુભવી શકવાની પાવન તક છે.
નારાયણમુનિ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની અનન્ય ભક્તિ પર પ્રકાશ પાડયો, જ્યારે પૂજ્ય ભગવતસેતુ સ્વામીએ મહંતસ્વામીની અવિરત ભક્તિ અને સાધનાનો ઉલ્લેખ કર્યો. વિવેકસાગર સ્વામીજીએ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ભક્તો પર વરસાવેલા દિવ્ય સ્નેહનું વર્ણન કર્યું, અને આદર્શજીવન સ્વામીએ મહંતસ્વામીના માતૃત્વ અને વાત્સલ્ય વર્તનની સ્મૃતિ કરી.
આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામી અને આત્મતૃપ્ત સ્વામીએ અનુક્રમે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના વિશાળ સેવાકાર્ય અને સેવા ભાવનાનો ઉલ્લેખ કર્યો. સાથે સાથે, સદગુરુવર્ય પૂજ્ય ઇશ્વરચરણસ્વામી અને પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની વિનમ્રતા પર પોતાના વક્તવ્યો રજુ કર્યા.
મહોત્સવમાં ભક્તિપ્રિય (કોઠારી) સ્વામીએ કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે પોતાનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે સમર્પિત કર્યું છે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે પૂજ્ય મહંતસ્વામી મહારાજ સાથેના પોતાના સ્વાનુભવો વર્ણવ્યા હતા. મહંતસ્વામી મહારાજ એક વૈશ્વિક મહાપુરુષ છે તેમ કહી તેઓએ વધુમાં જણાવ્યું કે, BAPS સંસ્થા સમાજ કલ્યાણ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં અનન્ય કાર્ય કરી રહી છે. આ પ્રસંગે, અહીં હાજર રહીને હું પોતાને અત્યંત ભાગ્યશાળી માનું છું. આપણી સંસ્કૃતિને સકારાત્મક અને રચનાત્મક રીતે વિશ્વભરમાં ફેલાવવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થાનું મહત્વપૂર્ણ યોગદાન છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે BAPS સ્વામિનારાયણ સંસ્થા વિશ્વના મંચ પર શાંતિ અને સૌહાદ્રિતા ફેલાવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
મંચ પર હાજર મહારાષ્ટ્ર સરકારના મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા અને નેસ્કો લિમિટેડના CMD શ્રી કૃષ્ણા પટેલે મહંતસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મહોત્સવના અંતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પોતાના આશીર્વચનથી બધા ઉપસ્થિત ભક્તોને કૃતાર્થ કર્યા. તેઓએ કહ્યું, “ભગવાન સ્વામિનારાયણના યથાર્થ મહિમાને સમજવું અને તેમની ભક્તિ કરવી તેમજ તેમના આદેશોનું પાલન કરવું એ જ આપણું પરમ કર્તવ્ય છે.” પ.પૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વાદ થી સૌએ ધન્યતા અનુભવી.
આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડીલસંતોએ પુષ્પમાળા દ્વારા પ.પૂ.મહંતસ્વામી મહારાજના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી હતી અને હજારો દીવડાની સમૂહ આરતીએ વાતાવરણને મંત્રમુગ્ધ બનાવી દીધું હતું. સમગ્ર કાર્યક્રમને અંતે મંત્રપુષ્પાંજલિ દ્વારા સૌ ભક્તોએ પ.પૂ.મહંત સ્વામી મહારાજના ચરણોમાં ગુરુભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App