કોરોનાની મહામારીમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા ક્રમની ગુરુ ગોવિંદસિંઘ હૉસ્પિટલમાં પ્રાણવાયુ લઈને વ્હારે આવી છે. આ ઉપરાંત જામનગરની જી.જી. હૉસ્પિટલમાં આવી અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ પણ લોકોને સહાયરૂપ થવા માટે આગળ આવી છે. દરેક વ્યક્તિથી લઇ સમાજ તેમજ દરેક સંસ્થાઓ આજે એકબીજાના સાથ થકી આ મહામારી સામે લડત આપી રહી છે.
જાણવા મળ્યું છે કે, જી.જી. હૉસ્પિટલ જામનગરમાં જામનગર સહીત પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના અનેક દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. સંક્રમણના બીજા વેવમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. હજારોની સંખ્યામાં દર્દીઓને ઑક્સિજનની તકલીફો સાથે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આવા કપરા સમયમાં જામનગરની BAPS સ્વામિનારાયણ સંસ્થાએ એક સરાહનીય સેવાકાર્યનો પ્રારંભ કર્યો છે.
મળતી માહિતી મુજબ, જામનગર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગુરુ ગોવિંદસિંહ હૉસ્પિટલમાં દર સાપ્તાહિકે બે ખેપમાં 10 ટન લિક્વિડ ઑક્સિજનના ટેન્કર આપવામાં આવશે. સૌપ્રથમ અબુધાબીથી દરિયાઈ માર્ગે કચ્છથી જામનગર આવેલા ઑક્સિજન ભરેલા ટેન્કરને પૂજન અર્ચન કરી જી.જી.હૉસ્પિટલમાં સુપ્રત કરવામાં આવ્યા હતા.
જામનગરમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા જી.જી.હૉસ્પિટલને પ્રાણવાયુની સહાય કરવામાં આવી હતી. BAPS સંસ્થાના સાધુ-સંતો દ્વારા પૂજન વિધિ કરી આ સેવાકાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા જી.જી હૉસ્પિટલને 10 ટન લિક્વિડ ઑક્સિજનનો જથ્થો આપવામાં આવ્યો હતો. આ તકે મંત્રી આર.સી,ફળદુએ કોરોના મહામારીમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા લોકોની વ્હારે આવી અને આ કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે કૃષિમંત્રી આર.સી.ફળદુ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, સાંસદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિમલભાઈ કગથરા, મેયર બીનાબેન કોઠારી, પૂનમબેન માડમ, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડૉ. નંદિની દેસાઈ, ડેપ્યુટી કલેક્ટર વી.કે. ઉપાધ્યાય, જી.જી. હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. દીપક તિવારી, નાયબ વન સંરક્ષક રાધિકા પરસાણા, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત BAPS હિંદુ મંદિર-અબુધાબી દ્વારા ભારત મોકલાયેલ આ પ્રથમ શિપમેન્ટની પાછળ આવા હજુ વધુ શિપમેન્ટની શ્રુંખલા પણ આવી રહી છે. જાણવા મળ્યું છે કે, જેમાં મહિને કુલ 440 મેટ્રિક ટન લીક્વીડ ઓક્સિજનનો ખૂબ મોટો પુરવઠો પૂરો પાડવાનો લક્ષ્યાંક છે. આ જથ્થામાંથી કુલ 1,05,000થી વધુ ઓક્સિજન સીલીન્ડરો ભરવામાં આવશે.
કોરોના સંક્રમણની આ બીજી લહેરમાં મેડિકલ ઓક્સિજનની ખૂબ અછત-કટોકટીમાંથી ભારત પસાર થઇ રહ્યું છે. આ દરમિયાન સરકાર, હોસ્પિટલો અને દર્દીઓ સહિત સૌ કોઈ ઊંડી ચિંતામાં ગરકાવ બન્યા છે. એવા સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાર્થના અને આશીર્વાદ સાથે, BAPS હિન્દુ મંદિર-અબુધાબી દ્વારા ભારત પહોંચેલા આ ઓક્સિજનથી હજારો દર્દીઓ રાહત અનુભવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.