આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ ખુબ જ વધી ગયો છે. આ દરમિયાન મહેસાણા શહેરમાંથી એક ચોકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ઓનલાઈન ફ્રેન્ડશીપના નામે એક ઠગ ટોળકીએ ખાનગી નોકરી કરતા એક આધેડનો સંપર્ક કર્યો હતો. જેમાં યુવતી સાથે દોસ્તી અને શરીર સુખની લાલચ આપી ક્લબના સભ્ય બનાવ્યાં હતા. આ ઠગ ટોળકી વારંવાર લાલચ અને વિશ્વાસ આપીને પૈસા પડાવતી હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, 10થી 11 મહિનામાં સવા 2 કરોડથી વધુ રકમ નોકરીયાત ઈસમ પાસેથી પડાવી લીધી હતી. ત્યારબાદ ના તો પૈસા મળ્યા કે ના તો યુવતિ સાથે સંબંધ માણવા મળ્યો, ત્યારબાદ મોટી છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો હતો. આખરે બે સંતાનના પિતા દ્વારા ઠગ ટોળકી વિરુદ્ધ મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના ધિણોજ ગામના રહેવાસી અને મહેસાણા રહી પાલાવાસણા નજીકની કંપનીમાં નોકરી કરતાં આધેડ સાથે સનસનીખેજ છેતરપિંડી થઈ છે. કેટલાક મહિના પહેલા અજાણ્યા નંબરથી ફોન આવતાં આધેડ નોકરીયાતે વાત કરી હતી. જેમાં સામેના ઈસમ રવિએ છોકરીઓ સપ્લાય કરતાં હોવાનું જણાવ્યું હતું.
જેમાં સુખી પરિવારની યુવતિ અને મહિલા સાથે ઓનલાઈન દોસ્તી કરવાની ઓફર આપી હતી. આ માટે શરૂઆતમાં 1500 ભરવાનું કહી ફ્રેન્ડશીપ ક્લબમાં સભ્ય બનવા કહ્યું હતું. ત્યારબાદ જીતુ પટેલે પણ ફોનમાં વાત કરી યુવતિનો સંપર્ક કરવા આધેડને રકમ ભરવા કહ્યું હતું. આ પછી ધ્રુતિકા સવાણી નામની યુવતિએ પણ વિડીયો કોલથી વાત કરી દોસ્તીની લાલચ ઉભી કરી હતી.
આ ત્રણેય ઈસમો દ્વારા લાખોની રકમ પડાવી લીધાં બાદ અચાનક ટીનુ પટેલ નામના ઈસમે ફોન કરી કહ્યું હતું કે, જો પૈસા પરત લેવા હોય અને યુવતિ સાથે હોટેલમાં રોકાવું હોય તો 8 લાખ ભરો. આથી લાલચમાં ને વિશ્વાસમાં આધેડે ગઈ માર્ચ 2020થી જાન્યુઆરી 2021 સુધીમાં 2 કરોડ 23 લાખ 84 હજારથી વધુ ભર્યા હતા.
આ દરમિયાન ઓનલાઇન થકી સવા 2 કરોડથી વધુની રકમ ભર્યા બાદ આધેડને છેતરપિંડી થઈ હોવાનું ભાન થયું હતું. નોકરીની બચત અને સગાસંબધી પાસેથી ઉછીના લઈ ભરેલી રકમ પાછી નહિ મળતાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. લોકડાઉનમા યુવતિ સાથે દોસ્તીની લાલચ આપી ઠગ ટોળકીએ મહેસાણાના વયસ્ક પુરુષ સાથે મોટી છેતરપિંડી આચરી છે.
સમગ્ર ઘટના અંગે જેની સાથે છેતરપિંડી થઈ તે ઈસમ દ્વારા મહિલા સહિત 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. એન્જિનિયરિંગનુ ભણેલા અને ખાનગી કંપનીમાં અડધા લાખનો પગાર મેળવતાં 56 વર્ષના પુરુષે ટેલિફોનિક વાતચીતમાં યુવતિ સાથે દોસ્તીની લાલચમાં સવા 2 કરોડથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે.
આટલી મોટી રકમ પડાવી જનાર યુવતિ ધ્રુતિકા સવાણી, રવિ, જીતુ પટેલ અને ટીનુ પટેલ સહિતના વિરુદ્ધ મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આઇપીસી 419, 420, 120બી તેમજ આઇટી એક્ટની કલમ 66ડી મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.