#CycloneTauktae બપોરે 3 વાગ્યે અમદાવાદમાં ત્રાટકશે તૌકતે, જાણો તૌકતે અંગે વિગતવાર 

હાલમાં તૌકતેએ ગુજરાત પર તબાહી મચાવી છે ત્યારે વાવાઝોડું આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ બન્યું છે. અમરેલીના રાજુલામમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે મોટાભાગના માર્ગો બંધ થયા હોવાના અહેવાલ છે.

વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી રહ્યું છે. મળતી માહિતી મુજબ, અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં પણ અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગઈ રાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે. આ ઉપરાંત સોમનાથમાં પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે.

અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે-સાથે ધોધમાર વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો પણ ગઈ છે. તો બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

ઉપરાંત જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. મધરાતથી જ શહેરમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો હતો. જેને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઉપરાંત શહેરના ગાંધીચોક વિસ્તારમાં સિટી રાઇડ બસ પર હોર્ડિંગ પડી ગયું હતું. જેને પગલે ગાંધીચોકથી રેલવે સ્ટેશન સુધી જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ત્યારે પાલિકાને આ ઘટનાની જાણ થતા હોર્ડિંગને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

રાજકોટમાં મોડી રાતે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. એટલું જ નહીં તોફાની પવન સાથે મધરાતે ધોધમાર વરસાદની પણ શરૂઆત થઈ હતી. જેને લઇને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા લોકોને કારણ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી હતી.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયાના અહેવાલ છે. મોબાઈલ ટાવર ધરાશાયી થવાના કારણે જાફરાબાદના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ, ઉનામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

વેરાવળમાં પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. ગઈકાલે રાતથી શરૂ થયેલા ભારે પવનને કારણે અનેક જગ્યાઓએ મંડપ સહિત પતરાઓ પણ ઉડી ગયા હોય તેવી ઘટનાઓ બની છે. આ ઉપરાંત બાયપાસ રોડ ઉપર પણ અનેક વૃક્ષ જમીનદોસ્ત થયા છે. જેને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે.

રાજકોટમાં વાવાઝોડા અંગે ચાંપતી નજર
રાજકોટ જિલ્લામાં તૌઉતે વાવાઝોડા સંદર્ભે રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન તથા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા દ્વારા કલેક્ટર કચેરી સ્થિત કંટ્રોલ રૂમ ખાતેથી વાવાઝોડાની વર્તમાન સ્થિતિ ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અધિક નિવાસી કલેક્ટર પરીમલ પંડયાના જણાવ્યા મુજબ, જિલ્લાના તમામ તાલુકા મથકે ક્લાસ-1 અધિકારીઓ દ્વારા વાવાઝોડા અંગે મોનીટરીંગ અને લાઈઝનની કામગીરી કરવામાં આવી રહી છે.

સવારથી લઈને રાત સુધીમાં કાચા મકાનો બાંધીને રહેતા તથા વાવાઝોડાના સંભવિત અસરના વિસ્તારમાં રહેતા સમગ્ર જિલ્લાના કુલ 12,450 જેટલા લોકોનું શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત આ વિસ્તારના પશુઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા વહિવટી તંત્રના આગોતરા- સુદ્રઢ આયોજનને કારણે હાલ સુધી કોઈ જ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો નથી.

રાજ્યમાં રાહત-બચાવ માટે 44 NDRFની ટીમો તૈનાત
રાજ્યમાં ‘‘તૌકતે’’ વાવાઝોડા સંદર્ભે રાહત અને બચાવ કામગીરી માટે સંભવિત અસરગ્રસ્ત 20 જિલ્લાઓમાં NDRFની 44 ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ, રાજ્યના જે 20 જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

જેમાં વલસાડ જિલ્લામાં બે, નવસારીમાં એક, સુરતમાં બે, ભરૂચમાં બે, આણંદમાં બે, ખેડામાં એક, અમદાવાદમાં બે, બોટાદમાં એક, ભાવનગરમાં ચાર, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, જૂનાગઢમાં ત્રણ, પોરબંદરમાં ત્રણ, દ્વારકામાં બે, જામનગરમાં બે, રાજકોટમાં બે, મોરબીમાં બે, સુરેન્દ્રનગરમાં બે, કચ્છમાં એક, ગાંધીનગરમાં એક ટીમ મળી કુલ 44 ટીમો તૈનાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *