આજકાલ ચોરીની ઘટનામાં સતત વધરો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં ઘરફોડ ચોરીઓની સાથે હવે કેરી ચોરીના બનાવો વધી રહ્યા છે. વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાંથી છેલ્લાં કેટલાક સમયથી કેરી ચોરીના ગુનાઓ વધતા જોવા મળ્યા છે જેથી આવા કેરી ચોરોના ત્રાસથી ખેડુતો પરેશાન થઈ ગયા છે. વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં કેરી ચોરીનો એક ગુનો દાખલ થતાં પારડી પોલીસ દ્વારા કેરી ચોરતી ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લાના ખેડૂતો આ વખતે એક સાથે ત્રણ ત્રણ મુસીબતોનો સામનો કરી રહ્યા છે. શરૂઆતમાં મોસમના મારને કારણે આ વખતે કેરીનો પાક ઓછો ઉતર્યો હતો. આવામાં તૌકતે વાવાઝોડાને કારણે આંબા ઉપરથી મોટા પ્રમાણમાં કેરી ખરી પડી હતી. આ ઉપરાંત મોસમના માર બાદ વાવાઝોડાને કારણે પણ ખેડૂતોને પડ્યા પર પાટું સહન કરવું પડ્યું હતું અને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આ દરમિયાન હવે જિલ્લામાં કેરીના ઊંચા ભાવને કારણે કેરી ચોરીના બનાવો વધી રહ્યા છે.
જાણવા મળ્યું છે કે, આંબાવાડીઓમાં કેરી ચોર ગેંગ દિવસે અને રાત્રે પણ આંબા ઉપરથી કેરી ચોરી અને ખેડૂતોને ચૂનો લગાવી રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડી નજીક આવેલી એક વાડીના નજીક કોટલાવ ગામના ખેડૂત અશોકભાઇ પટેલની વાડીમાં છેલ્લા કેટલાક સમયથી આંબાઓ ઉપરથી કેરીઓ ગાયબ થઈ રહી હતી.
આ દરમિયાન સતત એક અઠવાડિયા સુધી આ કેરીઓ ગાયબ થતાં જ ખેડૂત અશોકભાઈએ તેમના માણસોને સાથે રાખી અને વોચ ગોઠવી હતી. એવા સમયે જ વાડીમાંથી એક રીક્ષા બહાર નીકળતા જોતાં તેઓએ રીક્ષા ઝડપી હતી અને અંદર તપાસ કરતાં મોટી માત્રામાં કેરીનો જથ્થો મળી આવ્યો હતો.
ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરતાં રિક્ષા ચાલકની અટકાયત કરી અને તેની આગવી ઢબે પૂછપરછ કરતા કેરી ચોરીના રેકેટનો ખુલાસો થયો હતો. સાથે જ આ કેસમાં પોણીયા ગામના સાગર દીપકભાઈ નાયકા અને નીતિન સુરેશભાઈ હળપતિ નામના આરોપીઓને કેરી ભરેલી આ રિક્ષા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. રિક્ષાચાલક રાજુભાઈ પટેલ સાથે મળીને સાંજે અને મોડી રાત્રે ગામની આસપાસની આંબા વાડીઓમાંથી આંબા ઉપરથી કેરી ચોરી અને તેને બજારમાં વેપારીઓને વેચી દેતા હતા.
છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં કેરી ચોરીની ફરિયાદ વધી રહી હતી. પરંતુ, 10 કિલોથી લઇ એક બે મણ જેટલી કેરી ચોરી થવા જેવી નાની અમથી વાતને લઈને પોલીસ સ્ટેશનના ચક્કરથી બચવા ખેડૂતો નજર અંદાજ કરી રહ્યા હતા. પરંતુ કેરીની ખેતીમાં મોટું નુકસાન વેઠતા ખેડૂતોએ હવે પોલીસ સ્ટેશનની મદદ લીધી હતી.
ફરિયાદી ખેડૂત અશોકભાઈની વાડીમાંથી છેલ્લા 1 અઠવાડિયામા અંદાજે 90થી 100 મણ જેટલી કેરીની ચોરી થઈ છે. આખરે ત્રાસીને તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસ પહેલા તેમણે આ કેરી ચોર ગેંગને ઝડપી પોલીસને સોંપી દીધા છે. ખેડૂતોના કહેવા મુજબ, આ કેરી ચોરો પાસેથી કેટલાક વેપારીઓ ખરીદી લે છે. આથી કેરી ચોરોને મોકળું મેદાન મળી રહે છે. જેથી કેરીની ચોરીના બનાવો વધી રહ્યા છે અને આખા જિલ્લાના ખેડૂતો કેરી ચોરોના ત્રાસથી પરેશાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.