વડોદરા(ગુજરાત): આજકાલ વધી રહેલી ચોરી અને લુંટનાં બનાવો દરમિયાન ફરીવાર એક વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. જેમાં શહેરમાં તરખાટ મચાવી રહેલા તસ્કરોએ મોડી રાત્રે સયાજી હોસ્પિટલના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની દીવાલમાં બાકોરું પાડી ઓક્સિજન રૂમમાંથી સાધનો રીપેરીંગ કરવાની કીટના ટુલ્સ ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે રાવપુરા પોલીસ દ્વારા CCTVની મદદથી તસ્કરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરમાં અવાર-નવાર બની રહેલા ચોરીના બનાવોએ પોલીસ તંત્રની ઉંઘ હરામ કરી નાંખી છે. માત્ર દારૂના કેસો કરવામાં વ્યસ્ત રહેતી પોલીસ શહેરમાં ચોરીના વધી રહેલા બનાવોને ડામવામાં નિષ્ફળ પુરવાર થઇ રહી છે. રાત્રિ પેટ્રોલિંગ વાતો કરતા પોલીસ તંત્ર દ્વારા ખરેખર રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે છે કે, માત્ર કાગળ ઉપર પેટ્રોલિંગ થઇ રહ્યું છે તે અંગે પણ હાલ ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
જાણવા મળ્યું છે કે, મંગળવારે રાત્રે સયાજી હોસ્પિટલના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની દીવાલને બાકોરું પાડીને પ્રવેશેલા તસ્કરો રીપેરીંગ કીટના ટુલ્સની ચોરી જતાં હોસ્પિટલમાં ચકચાર મચી ગઇ હતી. સયાજી હોસ્પિટલના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં સવારે કર્મચારીઓ ફરજ હાજર થયા હતા. ત્યારે સ્ટોરના મુખ્ય દરવાજો ખોલીને અંદર ગયા હતા. સ્ટોર રૂમમાં જતાં તેમને બાયોમેડિકલ વર્કશોપમાં સામાન અસ્તવ્યસ્ત જોતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. વધુ તપાસ કરતા તેમને બાકોરું હોવાની જાણ થઇ હતી. આ સાથે તેમને તાજેતરમાં જ લગાવવામાં આવેલો ટેબલ ઉપર પડેલો CCTV જોયો હતો.
આ બાયોમેડિકલ સ્ટોરમાં બાયોમેડિકલ એન્જિનિયરો સાધનોનું રીપેરીંગ કામ કરે છે. કર્મચારીઓ દ્વારા તેની બાજુમાં આવેલા ઓક્સિજન રૂમના તાળાં તુટેલા જોતા તેમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ઓક્સિજન રૂમમાં રહેલા કબાટોનો સામાન વેરવિખેર જોતા તાત્કાલિક તેમણે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.
કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા સેન્ટ્રલ મેડિકલ સ્ટોરના અધિકારી ડો. જાગૃતિ ચૌહાણ સ્ટોર ઉપર આવી પહોંચ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બાયોમેડિકલ વર્કશોપમાંથી તસ્કરો સાધનો રીપેરીંગ કરવાના ટુલ્સ ચોરી કરી ગયા હોવાનું અનુમાન છે. તસ્કરો ઓક્સિજન સિલીન્ડર કે અન્ય કોઇ ચિજવસ્તુઓ ચોરી ગયા નથી. તેમ છતાં, પોલીસ અને અમારા દ્વારા વધુ તપાસ બાદ ચોક્કસ કઇ ચિજવસ્તુઓની ચોરી થઇ છે તે બહાર આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ બનાવ અંગેની જાણ રાવપુરા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસ દ્વારા સ્થળની મુલાકાત લઇ તપાસ કરવામાં આવી છે તેમજ CCTV ફૂટેજ મેળવીને સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં ચોરી કરનાર તસ્કરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.