અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ મોટી સંખ્યામાં લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. આ દરમિયાન કાબુલ એરપોર્ટ પરથી ઉપડી રહેલા પ્લેનમાંથી ત્રણ મુસાફરો નીચે પડી ગયા છે. આ મુસાફરો પ્લેનની અંદર ઘુસી તો ગયા પરંતુ અંદર જગ્યા ન હોવાને કારણે તેઓ લટકતા હતા. તે જ સમયે જ્યારે વિમાન હવામાં ઉડ્યું, ત્યારે આ લોકો આકાશમાંથી ચાલુ વિમાને નીચે પડવા લાગ્યા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ત્રણ અફઘાન નાગરિક પડતા જોઇ શકાય છે. રાજધાની કાબુલ પર તાલિબાનોએ કબજો કર્યો ત્યારથી પરિસ્થિતિ વધુ વણસી છે. લોકો દેશ છોડવા માટે મજબુર બન્યા છે અને એરપોર્ટની નજીક આવી રહ્યા છે અને દેશ છોડીને ભાગી રહ્યા છે.
યુદ્ધગ્રસ્ત દેશમાં તાલિબાનોએ વિવિધ સરહદ ક્રોસિંગ પર કબજો કર્યો ત્યારથી લોકોને બહાર નીકળવા માટે કોઈ જમીનથી જઈ શકે તેવો રસ્તો રહ્યો જ નથી. આવી સ્થિતિમાં કાબુલ એરપોર્ટ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા લોકો પોતાનું વતન છોડીને સલામત સ્થળે જઈ રહ્યા છે. આ જ કારણ છે કે, મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ તરફ આગળ વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એરપોર્ટ તરફ લોકોની ભારે ભીડ દોડી રહી છે. તે જ સમયે, કેટલાક વીડિયોમાં જોવા મળ્યું છે કે લોકો પ્લેન સુધી પહોંચવા માટે એકબીજા પર ચડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જોઈને અંદાજ લગાવી શકાય છે કે કાબુલની વર્તમાન સ્થિતિ કેવી છે.
કાબુલ એરપોર્ટ પર હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે, અહીં ફાયરિંગમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે સેંકડો લોકોએ બળજબરીથી અફઘાનિસ્તાનની રાજધાની છોડીને વિમાનોમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. તે જ સમયે, અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેણે પાંચ લોકોના મૃતદેહોને વાહનોમાં લઈ જતા જોયા છે. કાબુલ એરપોર્ટનું નિયંત્રણ અમેરિકન સૈનિકોના હાથમાં છે. તે જ સમયે, યુએસ અધિકારીઓએ આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી.
બીજી બાજુ તાલીબાને એવું કહ્યું છે કે, લોકો 17 ઓગસ્ટ સવારના 8 વાગ્યા સુધી પોતાના ઘરમાં જ રહે. કાબુલ એરપોર્ટ પરથી તમામ કોમર્શિયલ ફ્લાઈટ પણ બંધ કરી દેવામા આવી છે. તેમ છતા પણ લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે બેંકોમાંથી રૂપિયા ઉપાડીને ચારેય બાજુ દોડી રહ્યા છે જેને લીધે ચારેય બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘણા લોકો તેમના વીઝા બનાવવા માટે તેમના દેશના દૂતાવાસ પર ચક્કર લગાવી રહ્યા છે.
આ પ્રકારની ખરાબ પરિસ્થિતીને જોતા અમેરિકા, બ્રિટેન અને ફ્રાંન્સ જેવા મોટા દેશો પણ ખુબ જ હેરાન પરેશાન થઇ રહ્યા રહ્યા છે. અફઘાનિસ્તાન તેમના નાગરીકોને અફઘાનિસ્તાનથી બહાર નિકાળવા માટે સ્પેશિયલ ફ્લાઈટની સેવા આપી રહ્યા છે. ભારતે પણ ગત રવિવારે એટલે કે ગઈ કાલે જ અફઘાનિસ્તાનમાંથી આપણા નાગરિકોને બહાર કાઢ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.