કરનાલ: હાલમાં હરિયાણાના કરનાલમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવારમાં પહેલા દોહિત્રના મોત બાદ થોડાક કલાકોમાં નાનીએ પણ દૂનિયા છોડી દીધી હતી. અહી થોડા દિવસ પહેલા એક પરિવારમાં એક બાળકનો જન્મ થયો હતો. તેની હાલત ખરાબ રહેતી હતી અને બાળક બીમાર રહેતું હતું. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ચાર દિવસના નવજાત ભાણિયાના મોતનો આઘાત નાની સહન ન કરી શકી અને ભાણિયાના મૃત્યુ બાદ નાનીનું પણ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, કચરોલી વાસી આશરે 61 વર્ષીય ભાની દેવીની પુત્રીના લગ્ન ઘરોડામાં થયા હતા. પુત્રીએ ચાર દિવસ પહેલા ઓપરેશન થકી પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ, બાળક જન્મની સાથે જ બીમાર રહેતું હતું. જેના પગલે શનિવારે બાળકે દમ તોડી દીધો હતો. આ ખરાબ સમાચારની જાણ ભાની દેવીને થતાં તે તાત્કાલિક અન્ય સ્વજનોની સાથે ઘરોડા પહોંચી હતી જ્યાં તેને ઉંડો આઘાત લાગ્યો હતો.
પરિવારજનોના અન્ય લોકો મૃતક નવજાત બાળકને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. આ દરમિયાન, ભાની દેવી બેભાન થઈને નીચે પડી ગઈ હતી. જેની જાણ સ્વજનોને થતા તાત્કાલિક ઘરે પહોંચીને ભાની દેવીને પણ અર્પણા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી નવજાતના મોતના માતમમાં ડૂબેલા પરિવાર ઉપર દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ થયા બાદ પાનીપત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.
આ અંગે પરિવારજનોનું કહેવું છે કે, ભાની દેવીની પુત્રી ઓપરેશનથી દુઃખી હતી. બાદમાં દોહિત્રનું મોત થતા દુઃખમાં ડૂબી ગઈ હતી. તેને એટલો ઉંડો આઘાત લાગ્યો હતો કે તે સહન કરી શકી ન હતી. જ્યારે પોલીસનું કહેવું છે કે, મોતનું યોગ્ય કારણ પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ જાણવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.