ભરૂચ(ગુજરાત): હાલમાં ભરૂચમાંથી એક રુવાડા બેઠા કરી દેતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે એક કરૂણ ઘટના બનવા પામી છે. એક તરફ લોકો જ્યારે રક્ષાબંધનના તહેવારની ખુશીમાં હતા તે જ વખતે બીજી બાજુ એક વૃદ્ધનું મગરના હુમલામાં કરૂણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, આ ઘટના ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામની છે. વૃદ્ધને નદીના પાણીમાં ખેંચી ગયેલા મગરે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓ આવી ગયા હતા. પરંતુ, વૃદ્ધને બચાવી શકાયા નહોતા.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આજે ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે એક વૃદ્ધને મગર ખેંચી જતા તેમનું મોત થયું છે. વૃદ્ધ ઢોર ચરાવવા માટે આવ્યા હતા ત્યારે તેમનું ધ્યાન નહોતું અને મગર અચાનક તેમને નદીમાં ખેંચી ગયો. જોકે, મગરનો હુમલો કેવી રીતે થયો અને વૃદ્ધ નદી કાંઠે હતા કે નદીના પાણીમાં હતા તે હજી સુધી જાણી શકાયું નથી.
વૃદ્ધ પર મગરે હુમલો કર્યા બાદ તેઓ તરફડિયા મારતા રહ્યા. તેમ છતાં, મગરની ચુંગાલમાંથી છુટી શક્યા નહીં. આ દરમિયાન, 60 વર્ષના આ વૃદ્ધને મગરના હુમલામાં અતિ ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓ આવી પહોંચ્યા હતા અને નદીમાંથી વૃદ્ધનો મૃતદેહ કાઢવામાં આવ્યો હતો.
મોટાભાગે ચોમાસાની આ ઋતુમાં મગર પોતાના બચ્ચાને જન્મ આપતા હોય છે અને તેના માટે તેઓ નદી કે તળાવના કિનારે દર બનાવતા હોય છે અને તેમાં જ બચ્ચાનો ઇંડામાંથી જન્મ થાય છે. આ ઉપરાંત, હાલમાં વરસાદ ઓછો હોવાથી પાણીના સ્તર ઘટ્યા છે ત્યારે આ પ્રકારની અવાવરૂ જગ્યાઓ જતા લોકોએ પણ ચેતવું જોઈએ.
આગામી રજાના દિવસોમાં જ્યારે લોકો પ્રવાસ કરશે ત્યારે નદી કિનારા કે તળાવના કિનારે કે અજાણી જગ્યાઓ પર આ પ્રકારના ખતરાની તકેદારી રાખવી અનિવાર્ય છે. નહીંતર જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. લીમોદરાના આ વૃદ્ધ સ્થાનિક હતા છતાં તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આમ, જોખમથી પરિચીત હોવા છતાં તેમનો મગરના હુમલામાં જીવ ગયો છે.
જાણવા મળ્યું છે કે, ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ગીર ગઢડાના થોરડી ગાર ગામમાં 27મી જાન્યુઆરીએ ગોરબાભાઈ ગોહિલ નામના આધેડ સાંગાવાડી નદી કિનારે પોતાના પશુ ચરાવતા હતા. આ સમયે નદીકાંઠે ઉભેલા ગોરબાભાઈ ગોહિલને મગર પાણીમાં ખેંચી ગયો હતો.
આ અંગે જાણ થતાં લોકોના ટોળાં નદી પાસે ભેગા થઈ ગયા હતા. આ સાથે જ વન વિભાગને આ અંગે જાણ થતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આધેડની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો તૈરવૈયા અને વન વિભાગની ટીમની આશરે બે કલાકની ભારે જહેમત બાદ આધેડ ગોરબાભાઈ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.