સેલ્ફીના ચક્કરમાં મળ્યું દર્દનાક મોત: કાનમાં ઈયરફોન હતા, ને પાછળથી અચાનક ટ્રેન આવી અને…

મહેસાણા(ગુજરાત): આજકાલના યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ ઘણો વધ્યો છે. સેલ્ફી માટે લોકો ગમે ત્યાં ચડી જતા હોય છે. ઉપરાંત, મોબાઈલની ધૂનમાં રહેતા લોકો અનેકવાર ભાન ભૂલી જાય છે. મોબાઈલમાં વ્યસ્ત રહેવાને કારણે અનેક લોકો સાથે અકસ્માત પણ સર્જાતા હોય છે અને લોકો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે. કાનમાં ઈયરફોન ભેરવીને સેલ્ફી લઈ રહેલા યુવકને પાછળથી આવી રહેલુ મોત ન દેખાયું. યુવકને પાછળથી ક્યારે ટ્રેન આવી તે ખબર ન પડી અને ટ્રેનની અડફેટે આવી જતા તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, પાંચોટ નજીક મહેસાણા-પાટણ રેલવે ટ્રેક પર આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. રામોસણાનો રહેવાસી જીજ્ઞેશજી ઠાકોર પોતાના મિત્રો સાથે પાંચોટ બાયપાસ હાઈવે ઉપર રેલવે ઓવરબ્રિજ નીચે પાટણ રેલવે લાઈનના ટ્રેક ઉપર ગયો હતો. આ દરમિયાન તેની સાથે મિત્ર અને બહુચરાજીના અંબાલાનો રહેવાસી કીર્તિ ઉર્ફે રણવીરજી ઠાકોર પણ હતો. આ બંને મિત્રો કાનમાં ઈયર ફોન નાંખીને મોબાઈલમાં ફોટો પાડી રહ્યા હતા.

આ બંને મિત્રો સેલ્ફી લેવામાં એટલા વ્યસ્ત હતા કે, તેની પાછળથી પાટણથી મહેસાણ તરફ આવતી ટ્રેન દેખાઈ ન હતી. એટલુ જ નહિ, કાનમાં ઈયરફોન હોવાથી તેમને ટ્રેનનો અવાજ પણ સંભળાયો નહી. આ દરમિયાન, ટ્રેક પાસે આવેલ ખેતરમાં ઘાસચારો લેતી મહિલાએ પણ બંને યુવકોને બૂમો પાડીને ચેતવ્યા હતા. પરંતુ, બંને ફોટો પાડવામાં એટલા મશગૂલ હતા કે, તેમને મહિલાનો અવાજ પણ સંભળાયો ન હતો. આમ, જોતજોતમાં ટ્રેન નજીક આવી ગઈ હતી અને જીજ્ઞેશ ઠાકોર ટ્રેનની અડફેટે આવી ગયો હતો અને તેનુ ત્યાં જ મોત નિપજ્યુ હતુ.

આ ઘટનામાં સદનસીબે કીર્તિ ઠાકોર બચી ગયો હતો. ટ્રેકની બાજુમાં ચાર યુવકોએ બંનેને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે અસફળ નીવડ્યો હતો અને જીજ્ઞેશ ઠાકોર ટ્રેન નીચે કચડાઈ ગયો હતો. આ અંગે મૃતકના પિતા અગરાજીએ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા લાશનું પોસ્ટમોર્ટમ કરાવી વાલીવારસોને સોંપવામાં આવી હતી. જ્યારે મોબાઈલ કબજે લઈ, અકસ્માત મોતનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *