હાલમાં ગુજરાતીઓને ખુબ ગર્વ થાય એવા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સુરત જિલ્લામાં આવેલ ઓલપાડના શેરડી ગામની મૂળ વતની તેમજ ખેડૂત પરિવારની 19 વર્ષની મૈત્રી પટેલ નાની વયમાં પાયલોટ બનીને પરિવારની સાથે સુરતનું પણ નામ રોશન કર્યુ છે.
12 સુધીનો અભ્યાસ શહેરની સેવન-ડે સ્કૂલમાં કર્યા પછી પાયલોટની તાલીમ માટે અમેરિકા ગઈ હતી. અમેરિકાની સ્કાય ક્રિએશન ઈન્સ્ટિટ્યુમાં નિયત સમય કરતાં ટૂંકા સમયગાળામાં જ તાલીમ પૂરી કરીને કમર્શિયલ વિમાન ચલાવવાનું લાઇસન્સ મેળવ્યુ હોવાથી નવી સિદ્ધિ હાંસલ કરી બતાવી છે.
બાળપણથી જોયેલું સ્વપ્ન પૂર્ણ કર્યું:
‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતને સુરતમાં આવેલ ઓલપાડ તાલુકાના શેરડી ગામની 19 વર્ષની મૈત્રી કાંતિલાલ પટેલે સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. પિતા ખેડૂત તથા માતા SMCમાં નોકરી કરે છે. ખેડૂત પરિવારની દીકરીએ બાળપણથી પાયલોટ બનવાની ઇચ્છા હતી.
અઠવાલાઇન્સની સેવન-ડે શાળામાં અભ્યાસ કરવાની સાથે તેણીએ મુંબઇમાં પાયલોટની તાલીમ તથા અભ્યાસ કર્યો હતો. ધોરણ 12 સાયન્સ સુરતની સ્કૂલમાંથી પૂર્ણ કર્યા પછી પાયલોટના અભ્યાસ તેમજ તાલીમ માટે તે અમેરિકા ગઇ હતી કે, જ્યાં ફક્ત 11 મહિનામાં જ કમર્શિયલ વિમાન ઉડાડવાનું શીખતા અમેરિકાએ તેણીને કમર્શિયલ વિમાન ઉડાવવાનું લાઇસન્સ આપી દીધું હતું.
આની સાથે જ સુરતની આ ફક્ત 19 વર્ષની મૈત્રી ભારતની સૌથી નાની વયની પાયલોટ બની ગઇ હતી. તેણીની પિતા કાંતિલાલ પટેલ જણાવે છે કે, ભારતમાં કાશ્મીરની 25 વર્ષીય યુવતી સૌથી નાની વયમાં પાયલોટ બની હતી. આની સાથે જ પહેલા પણ 3 મહિલાઓ સુરત પંથકમાંથી પાયલોટ બની ચુકી છે.
બોઈંગ ઉડાવવાની ઈચ્છા:
નાની ઉંમરમાં કમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મેળવ્યા પછી હવે નાની વયમાં કેપ્ટન બનવાનું સપનું પૂર્ણ કરવું છે. બોઇંગ જેવા મોટા વિમાન ઉડાડવું લાઇસન્સ મેળવીને નવી ઊંચાઇએ પહોંચવું છે. ટૂંક જ સમયમાં કેપ્ટન બનવાનું સપનું પૂરું કરીને બોઇંગ વિમાન ઉડાડવા માટે ટૂંક સમયમાં તાલીમ શરૂ કરીશ એવું આ દીકરીનું જણાવવું છે.
સામાન્ય રીતે કમર્શિયલ વિમાન ચલાવવા માટે 18 મહિનાની તાલીમ લેવાની હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ 18 મહિનામાં ટ્રેનિંગ પૂરું ન કરે તો વધુ 6 મહિના લંબાવાય છે એટલે કે, 2 વર્ષે ટ્રેનિંગ પૂર્ણ કરે છે પણ મૈત્રી પટેલે 18 માસની તાલીમ ફક્ત 11 માસમાં પૂર્ણ કરીને પાયલોટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.
લાયસન્સ મળ્યું:
અમેરિકામાં કમર્શિયલ વિમાન ઉડાડવા માટેનું મૈત્રી પટેલને પાયલોટનું લાઇસન્સ મળી ગયું છે. તાલીમ પૂર્ણ કરીને મૈત્રી સુરત આવતાં જ પરિવાર દ્વારા તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, તેણીએ ભારતમાં વિમાન ઉડાડવા માટે ભારતના નિયમો પ્રમાણે ટ્રેનિંગ સાથે અભ્યાસ કરવો પડશે. અહિંની તાલીમ પૂર્ણ કર્યા પછી તેને ભારતમાં પણ વિમાન ઉડાડવા લાઇસન્સ મળી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.