અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના ચાંદખેડાની એક સોસાયટીમાં સાફ સફાઈ કરેલી ગાડીના ટાયર પર સોસાયટીના જ રહીશે પાળેલા કૂતરાએ પેશાબ કરતાં ફરિયાદ કરવા ગયેલા ગાડીના માલિકને કૂતરાના માલિક અને તેમના દિકરાએ લાકડીથી માર માર્યો હતાં. આ દરમિયાન, ગાડીના માલિકને માથામાં ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચિરાગ અને સન્ની મલ્હોત્રા વિરૂદ્ધ ફરિયાદ થતાં પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ચાંદખેડા વિસ્તારમાં અવની ભવન પાસેની એક સોસાયટીમાં કર્નેલ કલ્યાણચંદ કટોચ નામના વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી પરિવાર સાથે રહે છે. તેઓ એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. આ સોસાયટીમાં ચિરાગ મલ્હોત્રા નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે. અને ચિરાગ મલ્હોત્રાએ ઘરમાં વિદેશી કૂતરો પાળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કૂતરો સોસાયટીમાં ગંદકી કરે છે જેની સોસાયટીએ ચિરાગને અનેકવાર ફરિયાદ કરી છે. તેમ છતાં ચિરાગ અને તેનો પુત્ર સન્ની મલ્હોત્રા સોસાયટીના રહિશોને ધમકી આપીને કહે છે કે, તમારાથી થાય તે કરી લો અમારો ડોગ આ રીતે જ રહેશે.
આ અંગે થયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુરુવારે રાત્રે હું મારા મકાનની ગેલેરીમાં ઉભો હતો ત્યારે આ ચિરાગ મલ્હોત્રાના ડોગે મારી સાફ સફાઈ કરેલી ગાડીના ટાયર પર પેશાબ કર્યો હતો. આ બાબતે મેં ચિરાગ અને તેના પુત્રને જણાવ્યું તો સન્ની મલ્હોત્રા મને જોર જોરથી ગાળો આપવા લાગ્યો હતો. મેં તેમને ગાળા ગાળી નહીં કરવા જણાવ્યું અને હું મકાનમાંથી નીચે ગયો ત્યારે બંને બાપ દીકરાએ લાકડી લઈને મારી ઉપર હૂમલો કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, સન્ની મલ્હોત્રાએ મારા માથામાં લાકડી મારી હતી. જેનાથી માથામાંથી લોહી નીકળવા માંડ્યું હતું.
આ દરમિયાન, ચિરાગ મલ્હોત્રાએ પણ મારા પગના ભાગે લાકડીઓ મારી હતી. ત્યારે સોસાયટીના માણસો ભેગા થઈ ગયાં હતાં અને મને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે ગાડીના માલિકે ફરિયાદમાં લખાવ્યું હતું કે, ચિરાગ મલ્હોત્રાના વિદેશી કૂતરાનો સોસાયટીમાં અતિશય ત્રાસ છે. તેમનો કૂતરો સોસાયટીમાં ગંદકી કરે છે. તેમને ફરિયાદ કરવા જતાં તેઓ સોસાયટીના લોકો સાથે ખુબ જ ઝગડા કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.