કોરોના મહામારીને કારણે અનેકવિધ પરિવારના માળા વેરવિખેર થયા છે. રાજ્યમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આવી જ અન્ય એક ઘટના સામે અસાવી છે. નવસારી જિલ્લામાં આવેલ વાંસદામાં એક જ પરિવારના 3 સભ્યોએ આપઘાત કરી લેતા હોબાળો મચી જવા પામ્યો છે.
કોરોનાની સારવાર પછી માનસિક રીતે અસ્થિર થયેલા યુવકે આંબાના ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો. વૃક્ષ સાથે જુવાનજોધ દિકરાનો મૃતદેહ લટકતો જોઈને ભાંગી પડેલ માતા-પિતાએ પણ તેની પાસેની જ ડાળી પર લટકીને જીવનનો અંત આણ્યો હતો.
કલાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતાં મૃતક યુવાનની બહેને તપાસ શરુ કરી હતી. આ દરમિયાન આંબાના ઝાડ પર ભાઈ તેમજ તેની બાજુમાં જ માતા-પિતાના મૃતદેહ લટકતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાંની સાથે જ મોળાઆંબા ગામ તથા વાંસદા તાલુકામાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતક યુવાનની પત્ની તેમજ ફક્ત 3 વર્ષીય બાળકીના કલ્પાંતથી ગમગીની વ્યાપી ગઈ હતી.
યુવકે 3 વાર આપઘાતનો પ્રયત્ન કર્યો હતો:
વાંસદા તાલુકામાં આવેલ મોળાઆંબા ગામમાં ગોપજી ઘોટાળ ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. એક વર્ષ અગાઉ પુત્ર યોગેશને કોરોના થતા તેની સારવાર કરવામાં આવી હતી. જો કે, સારવાર પછી યોગેશ માનસિક રીતે અસ્થિર થઇ જતા 3 વાર આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. માતા-પિતાએ આપઘાત કરતા અટકાવ્યો હતો તેમજ આ બાબતે સતત તકેદારી રાખતાં હતાં.
પુત્રના આપઘાતથી માતા–પિતા પણ હિંમત હાર્યા:
જાણે કે વિધિના લેખ કોઇ બદલી શકતું ન હોય એ રીતે પરિવારની નજર ચૂકવીને ઘરથી થોડે દૂર આંબાના ઝાડ પર ગળાફાંસો ખાઈને યોગેશે જીવન ટૂંકાવ્યુ હતું. કલાકો સુધી દીકરાની કોઇ ભાળ ન મળતાં માતા-પિતા તેની તપાસ કરવા લાગ્યાં હતાં. આ દરમિયાન ઘરની પાસે આંબા પરથી પુત્રની લાશ મળી આવી હતી.
દીકરાની લાશને જોઇ માતા-પિતા આઘાતમાં સરી પડ્યા હતાં. તેમણે પણ દીકરાના મૃતદેહ પાસે અલગ-અલગ ડાળી પર ફાંસો ખાને જીવન ટૂંકાવી લીધું હતું. માતા-પિતા તેમજ ભાઈએ ફોન રિસીવ ન કરતાં દીકરી ચિંતામાં મુકાઈ ગઈ હતી. ગોપજી ઘોટાળને 2 દીકરી છે કે, જેમાંથી એક દીકરીને ગામમાં જ પરણાવી હતી.
દીકરીએ માતા-પિતા તથા ભાઈના ખબર-અંતર પૂછવા ફોન કર્યો પણ કોઇએ ફોન ન ઉપાડતાં ચિંતામાં મુકાઈ ગઈ હતી. જેથી તપાસ કરતાં માતા-પિતા તેમજ ભાઈનો મૃતદેહ મળી આવતાં સમગ્ર હકીકત સામે આવી હતી. આપઘાતની આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતક યોગેશભાઈની પત્ની તેમજ 3 વર્ષની દીકરીના કલ્પાંતથી આકાશ ગુંજી ઊઠ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.