સુરત(ગુજરાત): હાલ સુરતમાં એક પછી એક એવા ક્રાઈમ થઈ રહ્યા છે કે જાણીને પોલીસ પણ ચોકી ઉઠે છે. ત્યારે ફરીવાર ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં 12 વર્ષના એક ટેણિયાને તેના પિતાએ બાઈક ન લઈ આપતા તેણે મોજશોખ માટે એવો રસ્તો અપનાવ્યો કે માતાપિતા પણ ચોંકી ઉઠ્યા. તેણે મોજશોખ માટે માત્ર 15 દિવસમાં ચાર બાઈકની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરત પોલીસ દ્વારા ગાડીઓની ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીનુ નામ ખૂલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે આરોપી એક 12 વર્ષનો સગીર હતો. ઉમરા પોલીસના પીઆઈ કે.આઈ.મોદીની સૂચનાથી પીએસઆઈ બી.એસ.પરમાર અને પો.કો.ક્રિપાલસિહ માનસીંગએ બાતમીને આધારે 12 વર્ષના સગીરને મગદલ્લા ઓએનજીસી કોલોની પાસેથી ચોરીની રિક્ષા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બે બાઇકો, રિક્ષા અને છોટા હાથી ટેમ્પો મળી 2.38 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સગીર કિશોરનો પરિવાર સુરતમાં જ રહે છે. તેના પિતા એક કંપનીમાં વેલ્ડીંગનું કામ કરે છે. અગાઉ કિશોર સુરતથી ભાગીને મુંબઈ જતો રહ્યો હતો, ત્યારે તેને પરિવાર પરત લઈ આવ્યો હતો. તેના બાદ તેણે પિતા પાસેથી બાઈકની માંગણી કરી હતી. પરંતુ પિતાએ તેની ઈચ્છા પૂરી ન કરતા તે વાહન ચોરીના રવાડે ચઢ્યો હતો. તેણે એક છોટા હાથી ટેમ્પો અને એક રિક્ષા ઉપરાંત બે બાઇકોની ચોરી કરી હતી. માત્ર 15 દિવસમાં તેણે ચાર વાહનોની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
ચોરી કરવા પાછળનો હેતુ માત્ર ફરવાનો હતો. સગીરનું મન થાય ત્યા સુધી રિક્ષા કે છોટા હાથી ટેમ્પો ચલાવી બાદમાં ગમે ત્યાં વેરાન જગ્યા પર મુકી દેતો હતો. આમ, માત્ર 12 વર્ષનો સગીર આટલી મોટી ચોરી કરે તે માનવામાં આવતુ નથી. જાણવા મળ્યું છે કે, ચોરી કરવા સગીર રાતના સમયે નીકળતો હતો અને સ્ટીયરીંગ ખુલ્લુ હોય તેવા વાહનોને નિશાન બનાવતો હતો. જેથી તે ગાડીમાં ચાવીની જગ્યાએ પીન કે અન્ય અણીવાળુ સાધન નાખીને તેને ડાયરેક્ટ ચાલુ કરી દેતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.