આજે સમગ્ર દેશમાં ‘શિક્ષક દિન’ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં એક પ્રેરણાદાયક કહાની સામે આવી રહી છે. શિક્ષક કભી સાધારણ નહિં હોતા…ખરેખર સાચી વાત છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના કેમ્પસમાં તબક્કાવાર ગુજરાતી, હિંદી તથા અંગ્રેજી માધ્યમની શરૂઆત શિક્ષક ચમનલાલ નાઇએ કુલ 250 ભિક્ષૂક બાળકોનેશાળામાં લાવીને શિક્ષણ આપ્યું છે.
જે બાળકો પેટનો ખાડો પુરવા માટે ભીખ માટે હાથ લંબાવી રહ્યા હતા, તે બાળકોના હાથમાં હાલમાં પેન-પેન્સિલ પકડાવીને શિક્ષણ આપ્યું હતું. શિક્ષક ચમનલાલ જણાવે છે કે, નિવૃત્તિ પછી પિતાના નામે સંસ્થાની શરૂઆત કરવાની ઇચ્છા છે તેમજ આ સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનું મારું સપનું છે. જીવનના અંતિમ શ્વાસ સુધી મારું જીવન શિક્ષણ કાર્ય માટે સમર્પિત રહેશે.
શિક્ષકો-વકીલના સંતાન પણ આ જ શાળામાં કરે છે અભ્યાસ:
‘શ્રેષ્ટ શિક્ષક’નો એવોર્ડ મેળવનાર ચમનલાલ નાઇ છાણી ટી.પી.-13માં મારૂતિધામ ટેનામેન્ટમાં પરિવારની સાથે રહે છે તેમજ ટી.પી.-13 ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પંડિત દીન દયાલ ઉપાધ્યાયના નામથી પ્રખ્યાત શાળામાં પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવી રહ્યા છે.
તેઓએ આ શાળામાં વર્ષ-2005માં ગુજરાતી, વર્ષ-2006માં હિંદી તેમજ વર્ષ-2013માં અંગ્રેજી માધ્યમની શાળાની શરૂઆત કરીને સર્વ શ્રેષ્ઠ શાળાનો દરજ્જો અપાવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે પોતાનું જીવન સમર્પિત કરનાર ચમનલાલ નાઇએ પોતાની જ શાળામાં વર્ષ-2019માં ચાણક્ય પ્રાથમિક શાળા નામથી અંગ્રેજી માધ્યમના ધોરણ-1 થી 6 સુધીના વર્ગની શરૂઆત કરવામાં આવી છે.
જેમાં પ્રિન્સિપાલ, વકીલ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં શિક્ષક તથા અન્ય પોસ્ટ ઉપર ફરજ બજાવી રહેલ કર્મચારીઓના બાળકો ખાનગી સ્કૂલોમાંથી એડમિશન કઢાવીને આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે.
ભિક્ષુક બાળકો પાસે કોઈ સ્કૂલ ન હોવાથી ભીખ માગતા:
શિક્ષક ચમનલાલ નાઇ જણાવે છે કે, વર્ષ-2005 પૂર્વે નવાયાર્ડ વિસ્તારમાં સયાજીગંજ-42 તેમજ ગોરવા વિસ્તારની સયાજીગંજ-43 નંબરની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો હતો. વર્ષ-2005માં છાણી ટી.પી.-13 વિસ્તારમાં રહેવા આવ્યો ત્યારે વિસ્તારના સોનિયાનગર વસાહતના બાળકો ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા હતા. બાળકોને સ્કૂલે જવા બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં એકપણ શાળા નથી.
તપાસ કરતા 3 કિમીના વિસ્તારમાં એકપણ શાળા ન હતી. શાળાએ જવા માટે સ્થાનિક બાળકોને રોડ ક્રોસ કરીને નવાયાર્ડ વિસ્તારમાં શાળાએ જવું પડતું હતું. જેથી વસાહતના બાળકો શાળાએ જતા ન હતા તેમજ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. છાણી જકાત નાકા નજીક આવેલ મંદિરમાં માતા-પિતા સાથે બેસતા હતા તેમજ ભીખ માંગીને દિવસો પસાર કરતા હતા.
પ્રિન્સિપાલ તરીકે છેલ્લો શિક્ષકદિન:
આગામી 30 ઓક્ટોબરે નિવૃત્ત થઇ રહેલ પંડિત દીન દયાળ ઉપાધ્યાય સ્કૂલના પ્રિન્સિપાલ ચમનલાલ નાઇ જણાવે છે કે, આ શાળામાં મારો 5 સપ્ટેમ્બરનો અંતિમ શિક્ષક દિન છે. જો કે, આ સ્કૂલમાં ભલે મારો 5 સપ્ટેમ્બરે ઉજવાતો શિક્ષક દિન છેલ્લો હોય પણ નિવૃત્તિ બાદ જ્યાં પણ શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલ હોઇશ ત્યાં શિક્ષક દિન ઉજવતો રહીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.