જામનગર(ગુજરાત): ગુજરાતમાં હજુ પણ રખડતા ઢોરોનો આતંક યથાવત છે. સરકારનો કોઈ અંકુશ શહેરના રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસતા, ગંદકી ફેલાવતા અને નાગરિકો પર હુમલો કરતા આ રખડતા ઢોરોના માલિકો પર નથી. તેવામાં જામનગરમાં રખડતા ઢોરના આતંકનો વધુ એક બનાવ CCTV માં કેદ થયો છે. જામનગરના એક રહેણાંક મકાનમાં ઢોર ધૂસી ગયુ હતું. ઘોડિયામાં સૂતા બાળક પર આ ઢોરે હુમલો કર્યો હતો. જેમાં નાનકડુ બાળક માંડ માંડ બચ્યુ હતું.
આ ઘટના જામનગરના બર્ધન ચોક વિસ્તારની છે. ચોક વિસ્તારના એક રહેણાક મકાનમાં ઢોર ઘુસી ગયું હતું. રહેણાંક મકાનમાં ઢોર ઘુસી જતા ઘરમાં ભાગદોડ મચી ગઈ હતી. રખડતુ ઢોર ઘરના કમ્પાઉન્ડમાં આવી ચઢ્યુ હતું, ત્યારબાદ તે ઘરમાં ગયુ હતું. તે દરમિયાન ઘરના ઘોડિયામાં બાળક સૂતુ હતું, ત્યારે ઢોરના શિંગડામાં ઘોડિયુ ભરાઈ ગયુ હતું. જેથી બાળક નીચે પટકાયું હતું. જોકે, ઘોડિયામાં સૂતા બાળકનો આ ઘટનામાં આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. પરંતુ ઢોરના આ આતંકમાં એક મહિલા ઘાયલ થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીમાં રખડતા ઢોર મામલે ઢોર માલિકો વિરુદ્ધ ગુનો નોંધવા સહિતના મુદ્દે IPC કલમ-304 સહિતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામાની કડક અમલવારી શરુ કરવામાં આવશે તેવુ સામે આવ્યું હતું. તેમજ જે ઢોર માલિકોએ તેમના પશુઓથી લોકોને ઇજા કે અન્ય કોઈ નુકસાન થશે તેના બદલ ફોજદારી ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી શરુ કરવામાં આવશે. આ સૂફીયાની વાતોનો જામનગર કમિશનરની કોઈ અમલ થયો નથી. જામનગરમાં હજી પણ રખડતા ઢોરો જોવા મળે છે, અને નાગરિકો પર હુમલાના બનાવો બનતા રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.