જામનગર(ગુજરાત): હાલમાં જામનગર(jamnagar)માં વરસાદે જાણે ભારે તારાજી સર્જી છે. ભારે વરસાદને પગલે જામનગરના જોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. કલાકમાં સાડાસાત ઇંચ વરસાદ(rain) ખાબકતાં રસ્તા ઉપર નદી વહી રહી હોય એવાં દૃશ્યો સર્જાયાં છે. જ્યારે પંથકમાં હજુ વધુ વરસાદ પડે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ શકે છે.
જામનગર જિલ્લામાં અઠવાડિયા પહેલા થયેલી અતિવૃષ્ટિ બાદ આજે ફરી ભારે વરસાદનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે જોડિયા પંથકમાં સાડાસાત ઇંચ વરસાદ વરસી જતાં ચારેય બાજુ પાણી પાણી થઇ ગયું છે. જોડિયા સહિત જિલ્લાભરમાં હાલ ભારે વરસાદનો માહોલ છવાયેલો છે.
આ દરમિયાન, આજે જામનગર જિલ્લા પર ફરી મેઘરાજાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગઈકાલે રાતથી જિલ્લાભરમાં વરસાદી વાદળોનું સામ્રાજ્ય છવાયું હતું, જેને લઈને ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઇ હતી. રાતનો વરસાદી માહોલ, વહેલી સવારે જોડિયા પંથકમાં ભારે વરસાદ રૂપે વરસી પડ્યો હતો. જેમાં સવારે 6 થી 8 વાગ્યાના 2 કલાકના ગાળામાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ વધુ અઢી ઇંદ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા હતા.
જાણવા મળ્યું છે કે, જોડિયા શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જોડિયા પંથકમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર છે. જોડિયાથી શરૂ થયેલો મેઘાવી માહોલ જિલ્લાભરમાં છવાઈ ગયો છે. જેને લઈને આજે દિવસ દરમિયાન પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે.
સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. આ ઉપરાંત, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે પવન ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ગણદેવી તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસતાં વેગણીયા ખાડીનો લો લાઈન પુલ પાણીમાં ગરકાવ થયો છે. જેથી બીજી બાજુ રહેતા 250થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. આ સિઝનમાં આ બ્રિજ ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઇ ગયો છે.
વાગડના રાપર તાલુકામાં ગઈકાલે સાંજે શરુ થયેલા વરસાદે શહેરમાં સાંજથી રાતના 12 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ પાણી વરસાવી દીધું હતુ. જ્યારે મોડી રાત બાદ તાલુકાના બેલા, મોવાણા વિસ્તારમાં મેઘરાજાએ રાતવાસો કર્યો હોય તેમ વહેલી સવાર સુધીમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ભુપતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સાત ઇંચ વરસાદ ખાબકતા બેલાના તમામ તળાવો ઓવરફ્લો થઇ ગયા છે. નજીકના મોવાણામાં પણ છ થી સાત ઇંચ વરસાદ પડ્યાનું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. આમ પ્રાથળ વિસ્તારમાં ગઈકાલ રાત્રીથી આજે સવાર સુધી સાંબેલા ધાર વરસાદ પડતાં અનેક નાના મોટા તળાવો ઓગની ગયાં હતાં. તો વ્રજવાણી, બાલાસર, દેશલપર,લોદ્રાણી ગઢડા વગેરે વિસ્તારમાં પણ નદી નાળા વહી નીકળ્યા હતાં.
જોડિયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા તારાણા ગામ નજીક આવેલા આજી-4 ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. ડેમની નીચાણમાં આવતા બાલંભા, રણજીતપર, હીરાપર, મોરાણા, તારાણા, માધાપર, સામપર, જામસર, માણામોરા, ભીમકટાના ગ્રામજનોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. જોડિયા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા મજોઠ ગામ નજીક આવેલો ઊંડ-2 ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, ડેમના 3 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવતા જોડિયા, મજોઠ, આણંદા, બાદનપર, ભાદરા, કુન્નડના લોકોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.