ગુજરાત: સુરત (Surat) માં ભારત (India) ના સૌથી નાની ઉંમરના એટલે કે, 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયુ છે. લેઉવા પટેલ સમાજ (Leuva Patel Samaj) ના 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયા (Dharmik Ajaybhai Kakadia) ના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહીત બંને હાથોનું દાન કરીને એકસાથે છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે.
સુરત શહેર પોલીસના સહકારથી હાથ, હ્રદય તથા ફેફસાં સમયસર મુંબઈ, ચેન્નઈ તથા અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમવાર એક જ દિવસમાં 3 ગ્રીન કોરીડોર બનાવાયા હતા. ટેક્ષટાઇલ તથા ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામ્યું છે.
મગજમાં લોહીનો ગઠ્ઠો અને સોજા બાદ બ્રેઈનડેડ જાહેર:
કતારગામની રામપાર્ક સોસાયટીમાં રહેતો તેમજ ડભોલી વિસ્તારની બ્રીલીયન્ટ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા 14 વર્ષીય ધાર્મિકને ગત 27 ઓક્ટોબરે ઉલટીઓ થતા બ્લડ પ્રેસર વધી જવાને લીધે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને લીધે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરે ક્રેનીયોટોમી કરીને મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો તથા સોજો દૂર કર્યો હતો. ત્યારબાદ 29 ઓક્ટોબરે કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ ધાર્મિકને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ધાર્મિકના પરિવારજનોને અંગદાનનું મહત્વ તેમજ સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
હૃદય ઉપર પથ્થર મુકી દીકરાના હાથનું કર્યું દાન:
પરિવારજનો તરફથી લિવર, હૃદય, ફેફસાં તેમજ આંતરડાના દાનની પરવાનગી અપાઈ હતી. બાદમાં નિલેશ માંડલેવાલાએ પરિવારજનોને કહ્યું હતું કે, દેશમાં કેટલાય વ્યક્તિઓના હાથ અકસ્માતે કપાઈ જાય છે તેમજ તેઓને સામાન્ય જીવન જીવવામાં ખુબ મુશ્કેલી પડતી હોય છે.
જો તમે તમારા વ્હાલસોયા દીકરાના હાથોનું દાન કરવાની પરવાનગી આપો તો કોઈકને હાથ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવું જીવન મળી શકે ત્યારે પરિજનોએ હૃદય ઉપર પથ્થર મુકીને દિલના ટુકડા એવા પોતાના વ્હાલસોયા બાળકના હાથનું દાન કરવાની મંજુરી આપી કહ્યું હતું કે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે અમારા બાળકના જેટલા પણ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને કામ લાગી શકે તે બધા જ અંગોનું દાન કરો.
ગ્રીન કોરીડોર અને ચાર્ટર વિમાન મારફતે હાથને મુંબઈ પહોંચાડ્યા:
સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું 292 કિમીનું અંતર ફક્ત 105 મિનિટમાં કાપીને ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરાયું છે. આ વ્યક્તિને 3 વર્ષ અગાઉ વીજ કરંટ લાગતા બંને હાથ-પગ કપાઈ ગયા હતા.
મુંબઈમાં હાથનું આ ચોથું ટ્રાન્સપ્લાન્ટ છે. હાથનું ટ્રાન્સપ્લાન્ટ ફક્ત 8 કલાક સુધીમાં કરવાનું હોય છે નહીં તો હાથ કામ કરતા બંધ થઇ જાય છે. જેથી બંને હાથને સમયસર મુંબઈ મોકલવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવાયો હતો તેમજ ચાર્ટર વિમાન મારફતે હાથને 105 મિનિટમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ પહોંચાડયા હતા.
હૃદય જૂનાગઢના વિદ્યાર્થીમાં ધબકશે:
દાનમાં મેળવાયેલ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાટણના રહેવાસી 35 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ આંધ્રપ્રદેશના 44 વર્ષીય વ્યક્તિમાં ચેન્નઈની MGM હોસ્પિટલમાં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢના રહેવાસી ધોરણ 11માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરી દેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.