લગ્નમાં આવેલ પરિવારની કારને નડ્યો અકસ્માત, અચાનક જ રસ્તા વચ્ચે કુતરું આવી જતા કાર ખાડામાં ખાબકી- એકનું કરુણ મોત

ગુજરાત(Gujarat): રાજ્યના રાજકોટ(Rajkot Accident) જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નજીક મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો હતો. રાજકોટના પરિવારની કાર રસ્તામાં આવેલ કુતરાને બચાવવાના ચક્કરમાં કાર રોડની સાઈડમાં નીચે ખાડામાં ઉતરી ગઈ હતી અને કારમાં સવાર રાજકોટના યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતું. જ્યારે બીજા ત્રણ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભાયાવદર પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની તપાસ હાથ ધરી છે.

ઘટના અંગેની મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરના ખારચીયા રોડ પર રેલવે ફાટક આગળની ગોળાઈ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધોરાજીના મોટી વાવડીનો જીવાણી પરિવાર ધોરાજીના સુપેડી ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. કારમાં સવાર કોઈ સંબંધીને ઉપલેટાના ખારચીયા ગામે મુકવા જતા અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે કાર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે રસ્તા પર અચાનક કુતરો આવી જતા કાર રોડની સાઈડમાં નીચે ખાડામાં ઉતરી ગઈ હતી. જેને કારણે કારમાં સવાર ચાર વ્યક્તિઓ પૈકી રાજકોટના ગોકુલધામમાં રહેતા દીપ નવીનભાઈ જીવાણી(ઉ.વ.25)નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ ગંભીર અકસ્માતના બનાવમાં મૂળ મોટી વાવડી ગામના અને હાલમાં રાજકોટ રહેતા દીપભાઈ નવીનભાઈ જીવાણી નામના વ્યક્તિનું કરૂણ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. તો કારમાં સવાર અન્ય ત્રણ લોકોમાં સાગર ચીમનભાઈ જીવાણી(રહે.રાજકોટ) તથા આશિષ જેનુભાઈ જીવાણી(રહે.સુરત વાળા)ને હાથ અને પગમાં અત્યંત ગંભીર ઇજાઓ થતાં ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે અન્ય એક વ્યકિત રમેશભાઈ જેનુભાઈ જીવાણી(રહે.સુરતવાળા)ને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલાને ભાયાવદર નગરપાલિકાની એમ્બ્યુલન્સ તેમજ જામકંડોરણાની એમ્બ્યુલન્સ મારફતે ઉપલેટાની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તો આ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને ઉપલેટા ક્રિષ્ના હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મધરાત્રે બનેલા અકસ્માતના બનાવમાં ભાયાવાદર અને ઉપલેટા પોલીસને જાણ થતાની સાથે જ તાત્કાલિક જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. સમગ્ર ઘટના અંગે ભાયાવદર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મૃતકના મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *