સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક અને ડીંડોલીને જોડતા બ્રિજ ઉપર મુસાફરોથી ભરેલી BRTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત(Accident) સર્જાયો હતો. બાઇક સવારને સામેથી અડફેટે લઈ કચડી નાખ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મંગળવારની મોડી સાંજે બનેલી ઘટનામાં કરુણ મૃત્યુ પામેલ શૈલેષ નિકમ ત્રણ સંતાનનો પિતા હતો. બ્રિજ પર ચાલી રહેલા રોડ રિપેરીંગના કામકાજને લઈ વન-વે હોવા છતાં બસ 50-60ની સ્પીડમાં દોડતી હોવાનું નજરે જોનાર ચિરાગ વાગલેકરે જણાવતા કહ્યું હતું કે, બસ ચાલકને છોડતા નહિ, એક પરિવારનો આર્થિક સહારો છીનવી લીધો છે. વધુમાં તેમણે કહ્યું છે કે, હું કહેશે ત્યાં સાક્ષી બનીશ અને આ ઘટના અંગે નિવેદન પણ આપીશ.
ત્રણ સંતાનના પિતાના મૃત્યુને કારણે પરિવારમાં શોકનો માહોલ:
મૃતકના ભાઈ કિરણ નિકમએ જણાવતા કહ્યું હતું કે, બસની અડફેટે મોતને ભેટેલા શૈલેષભાઇ વિઠ્ઠલભાઈ નિકમ (ઉ.વ. 40) ને પરિવારમાં બે દીકરીઓ સહીત એક દીકરો અને તેની પત્ની છે. શૈલેષભાઇ પાંડેસરાની મિલમાં સાડી ફોલ્ડીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં. મંગળવારના રોજ રાત્રે નોકરી પરથી ઘરે પરત ફરતા કાળ મુખી બસની અડફેટે આવ્યા બાદ સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતના બે કલાક બાદ ભાઈ દુનિયા છોડી ગયો હોવાની જાણ થતાં આંખો પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
બસ ચાલક પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ:
સમગ્ર ઘટના નજરે જોનાર ચિરાગ વાગલેકરએ જણાવતા કહ્યું હતું કે, બસ ચાલકને છોડતા નહિ, બ્રિજ પર વન-વે હોવા છતાં 50-60ની સ્પીડ પર બસ ચલાવતો હતો અને બસમાં મુસાફરો ખીચોખીચ ભરેલા હતા. BRTS બસના ચાલકને લઈ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવ સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વધુમાં કહ્યું છે કે, બાઇક સવારની કોઈ ભૂલ ન હતી. બસચાલક એટલી સ્પીડમાં બસ હંકારતો હતો કે, બાઇકને ઉડાવતા બાઇક સવારનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતને કારણે આખો બ્રિજ જામ થઈ ગયો હતો. લોકો મારશે એવા ડરથી બસનો ચાલક બસમાંથી બહાર પણ નીકળ્યો ન હતો. બસમાં બેઠેલા મુસાફરોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ઘટના બાદ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્તને સિવિલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.