મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાતા પાકિસ્તાન બોખલાયું થયું છે. જેના કારણે પાકિસ્તાને ભારત સાથેના તેના તમામ વ્યાપારીક સંબંધોને પતાવી દીધા છે. પાકિસ્તાનના આ નિર્ણયના કારણે ગુજરાતના કેટલાક વેપારીઓને ફટકો પડ્યો છે અને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમાં પણ સૌથી વધારે ફટકો કેમિકલ અને ડાઈના વેપારીઓને પડ્યો છે. કારણ કે, ગુજરાતના કેમિકલ અને ડાઈના વેપારીઓએ ચાલુ વર્ષે 3500 કરોડથી વધુનો માલ પાકિસ્તાનમાં એક્સપોર્ટ કર્યો છે. પાકિસ્તાન દ્વારા વ્યાપારિક સંબંધ તોડવાનો નિર્ણય કરાતા પાકિસ્તાનની બેંકોએ ગુજરાતના વેપારીઓને પૈસા આપવાનું બંધ કર્યું છે. જેના કારણે કેમિકલ અને ડાઈના વેપારીઓના અંદાજિત 1 હજાર કરોડથી વધુના પેમેન્ટ અટવાયા છે.
ગુજરાતના વેપારીઓએ ન્યુઝ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં હાલમાં જેટલો જથ્થો એક્સપોર્ટ થઈ રહ્યો છે. એટલો જ જથ્થો બીજા દેશમાં એક્સપોર્ટ કરવામાં પાંચથી છ મહિનાનો સમય વધારે લાગશે. થોડી મહેનત કરવી પડશે પણ બધાનો સાથ સહકાર મળશે, તો બીજા દેશમાં પણ મટીરિયલ એક્સપોર્ટ કરી શકીશું.
અન્ય વેપારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના આ નિર્ણયના કારણે ભારતને વાંધો નહીં આવે, પણ પાકિસ્તાન માટે આ નિર્ણય ખૂબ જ જોખમભર્યો છે કારણ કે, ત્યાંની ઇન્ડસ્ટ્રીઝ ભારતના કેમિકલ અને ડાઈ પર વધારે નિર્ભર છે અને તેઓ આ વસ્તુ બહારથી લેશે તો તેમણે 30% વધારે પૈસા ચુકવવા પડશે અને આટલો વધારે ખર્ચ ત્યાંની ઇન્ડસ્ટ્રીઝ લઇ શકે તે શક્ય જ નથી. ભવિષ્યમાં એવું લાગે છે કે, પાકિસ્તાન ટેક્સટાઇલ એસોસિએશનો અને ઉદ્યોગપતિઓ આ બાબતે સરકારને પ્રેશર કરશે અને ફરીથી આ વ્યાપારિક સંબંધો શરૂ થશે.
આ બાબતે ગુજરાત ડાઈસ્ટોક મેન્યુફેક્ચરર એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, અત્યારે 1 હજાર કરોડના પેમેન્ટ બાકી નીકળે છે. એ બાબતે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. આ બાબતે કોઈ નિર્ણય ન લેવાય તો વર્કિંગ કેપિટલમાં બધાને મુશ્કેલી પડી શકે છે. અત્યારે 3200થી 3500 કરોડનું ટર્નઓવર ચાલુ છે. પાકિસ્તાનના આ નિર્ણયના કારણે 3200થી 3500 કરોડના ટર્નઓવરનો ફટકો ભારતને પડવાનો છે.