આર્ટિકલ 370 નાબુદ થતા પાકિસ્તાન લાલઘુમ થયું છે અને કાશ્મીરને હડપવા માટેના હવાતીયા મારી રહ્યું છે. હાલ એલઓસી પર ભારે તંગદીલીનો માહોલ છે ત્યારે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના વરીષ્ઠ પત્રકાર હામિદ મીરે એક ઘટસ્ફોટ કર્યો છે, તેમણે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની સૈન્ય સરહદ તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને શુક્રવારે રાતથી જ પાક. સૈન્યની ગતીવીધી સરહદે વધી ગઇ છે. બીજી બાજુ 15મી ઓગસ્ટનો સમય નજીક આવી રહ્યો છે.
દેશભરમાં આઝાદીના પર્વની ઉજવણી થવા જઇ રહી છે એવી સ્થિતિમાં પાકિસ્તાન હવે આર્ટિકલ 370 નાબુદી મુદ્દે કોઇ પણ સંજોગોમાં ભારત પર હુમલા માટે હવાતીયા મારી રહ્યું છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાનની જાસુસી સંસ્થાઓ, સરકાર અને સૈન્યએ આતંકીઓની સાથે હાથ મિલાવી લીધા છે અને ભારત પર 15મી ઓગસ્ટે જ હુમલો કરી શકે છે.
પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે આ દાવા ક્યા આધારે કર્યા તેનો ઉલ્લેખ તેમણે નથી કર્યો, જોકે તેમની આ ટ્વીટ હાલ વાઇરલ થઇ રહી છે, તેઓ પાકિસ્તાનના પત્રકાર છે અને તેમણે શનિવારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે પીઓકે પર લોકો પાકિસ્તાની સૈન્યનું સ્વાગત કરી રહ્યા છે. મોટી સંખ્યામાં પાક. સૈન્ય હથિયારો સાથે આગળ વધી રહી છે.
જોકે હામિદ મીરના દાવા અંગે પાકિસ્તાન અને ભારત બન્ને દેશોની સરકારો દ્વારા કોઇ જ નિવેદન આપવામાં નથી આવ્યું. પાકિસ્તાનના અન્ય એક પત્રકાર વજાહત એસ ખાને દાવો કર્યો છે કે પાકિસ્તાની સૈન્યને પાક. સરકારે બિન સત્તાવાર રીતે આગળ વધવાના આદેશ આપી દીધા છે. વજાહત ખાને પણ ટ્વીટ કરીને જ આ જાણકારી હતી.
તેમણે કહ્યું છે કે પાકિસ્તાનની પૂર્વ સરહદે તૈનાત સૈન્યને આગળ વધવાના આદેશ આપી દેવાયા છે. પાકિસ્તાને આ પહેલા ભારત સાથેનો વ્યાપાર સસ્પેન્ડ કર્યા, રાજદ્વારીઓને પણ પરત જવા કહ્યું આ ઉપરાંત રેલવે અને બસ સેવાને પણ સસ્પેન્ડ કરી દીધી હતી. પાકિસ્તાન કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના ભારત સરકારના નિર્ણયનો વિરોધ કરવા માટે રોજ નવા નાટકો કરી રહ્યું છે.
પાકિસ્તાનના પત્રકાર હામિદ મીરે ટ્વીટ કરીને જે દાવા કર્યા છે તેમાં તેમણે કહ્યું છે કે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના મારા સૌથી નજીકના મિત્રોએ મને ફોન કરીને જણાવ્યું છે કે પાકિસ્તાની સૈન્ય ખુબ જ મોટા જથ્થામાં યુદ્ધ હથિયારો અને ટેંકો સાથે એલઓસી તરફ આગળ વધી રહ્યુ છે. સ્થાનિકો આ સૈન્ય જવાનોનું સ્વાગત કરી રહ્યા છે સાથે સુત્રોચ્ચાર કરી રહ્યા છે કે કાશ્મીર બનેગા પાકિસ્તાન.