લોકો કચરાની ડોલ પણ નથી છોડતા : કચરાની ડોલોના વિતરણમાં ય કટકી કરવાનું કૌભાંડ

વલ્લભવિદ્યાનગર નગરપાલિકા દ્વારા નગરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિતરણ કરવામાં આવેલ કચરાની ડોલમાં સંચાલકો દ્વારા કેટલાક વિસ્તારોના રહીશોને આવી કચરાની ડોલના વિતરણમાંથી બાકાત રાખી વધારાના માલસામાનનો…

વલ્લભવિદ્યાનગર નગરપાલિકા દ્વારા નગરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિતરણ કરવામાં આવેલ કચરાની ડોલમાં સંચાલકો દ્વારા કેટલાક વિસ્તારોના રહીશોને આવી કચરાની ડોલના વિતરણમાંથી બાકાત રાખી વધારાના માલસામાનનો બારોબાર ખાનગી રીતે વહીવટી કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. કેટલાક વિસ્તારો પ્રત્યે દુર્લક્ષ સેવી માત્ર ચોપડા ઉપર જ કચરાની ડોલ વિતરણ કરવામાં આવી હોવાનો આક્ષેપ જાગૃત નગરજનો દ્વારા કરવામાં આવ્યો છે.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આણંદ જિલ્લાની વિવિધ નગરપાલિકા દ્વારા સુક્કો તેમજ ભીનો કચરો ઉઘરાવવા માટે અલગ-અલગ કચરાપેટીની ડોલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કે આણંદ પાસેના વલ્લભવિદ્યાનગરની નગરપાલિકા દ્વારા કચરાની ડોલના વિતરણમાં કેટલાક વિસ્તારો પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવવામાં આવતુ હોવાનો રોષ જાગૃતો દ્વારા વ્યક્ત કરાયો છે. નગરપાલિકા દ્વારા ખાસ ટીમને કચરાની ડોલના વિતરણ અંગેની કામગીરી સોંપાઈ છે.

જો કે વિવિધ વિસ્તારમાં ફરતા આ કામના કર્મચારીઓ દ્વારા કેટલીકવાર કેટલાક નગરજનોને ડોલનું વિતરણ કર્યા વિના આડેધડ રીતે માત્ર કાગળ ઉપર સહીઓ કરી ડોલનું વિતરણ કરાયું હોવાનું જણાવી દેવાય છે. કેટલાક નગરજનો દ્વારા નગરપાલિકા ખાતે આવી ડોલ લેવા જતા કર્મચારીઓ દ્વારા બેહુદુ વર્તન કરવામાં આવતુ હોવાનું પણ જાગૃતો જણાવી રહ્યા છે.

છેલ્લા બે દિવસથી વિદ્યાનગર પાલિકાના વિવિધ વિસ્તારોમાં લાઉડ સ્પીકર દ્વારા સુક્કો તથા ભીનો કચરો અલગ રાખી જાહેરમાં કચરાનો નિકાલ ન કરવા જાહેરાત કરવામાં આવી રહી છે પરંતુ પાલિકાના જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા ડસ્ટબીન વિતરણમાં ઓરમાયુ વર્તન રાખી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો સુર જાગૃતોએ વ્યક્ત કર્યો છે. આ મામલે પાલિકાના સત્તાધીશો દ્વારા સત્વરે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *