ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લામાં ખાદ્યતેલ(Edible oil)ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સતત ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે, જેમાં એક દિવસમાં વિવિધ તેલના વપરાશ સમગ્ર જીલ્લામાં લોકોના બજેટ પર રૂ. 11.60 લાખનો મોટો બોજો પડશે. જણાવી દઈએ કે, અગાઉ જ્યારે સીંગતેલના ભાવ વધતા ત્યારે લોકો કપાસિયા તેલ તરફ વાળી રહ્યા હતા. હવે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થતાં મધ્યમ વર્ગના પરિવારોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે.
સીંગતેલ-કપાસિયાના ભાવ સમાન થવા આવ્યા:
ઝાલાવાડમાં સીંગતેલ અને કપાસિયા તેલનો મોટાભાગે ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે હાલમાં 1 મહિના દરમિયાન સીંગતેલ અને કપાસિયા તેલ સહિતનાં તેલના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
જોઈએ તો હાલમાં 1 મહિનામાં સીંગતેલના ભાવ પહેલાં 2356 રૂપિયા આસપાસ રહેતા હતા અને આ 2520 રૂપિયા થઈ ગયા હતા. આવી જ રીતે કપાસિયા તેલના ભાવ રૂપિયા 2340 હતા અને જે હવે વધીને 2550 રૂપિયા થઈ ગયા છે. કપાસિયા તેલ અને સીંગતેલના ભાવ એકસરખા થઈ જવાને કારણે લોકોને કયું તેલ ઉપયોગમાં લેવું એ અંગે પણ મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા છે. જોવા જઈએ તો હાલ જિલ્લામાં રોજના સીંગતેલ, કપાસિયા, સૂર્યમુખી, પામતેલ મળીને રોજ 2,000થી પણ વધારે ડબાનું વેચાણ થતું હોય છે, જેમાં ભાવવધારાને કારણે લોકોને રોજ 11,60,600 રૂપિયાનો આર્થિક બોજાનો સામનો કરવો પડી રહ્યો છે.
મહિલાઓનું બજેટ ખોરવાયું:
હાલના સમયમાં જોવામાં આવે તો રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિને કારણે આવનારા સમયમાં તેલના ભાવોમાં ધરખમ વધારો થવાની પણ પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. પહેલા વર્ષ 2020માં આ રીતે તેલના ભાવોમાં 200થી 250 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો હતો. જેને કારણે 2 વર્ષમાં તેલના ભાવોમાં 400થી 500 રૂપિયાનો વધારો થતાં મહિલાઓના બજેટ ખોરવાઈ જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.