કર્ણાટક હાઈકોર્ટે(Karnataka High Court) હિજાબ વિવાદ(Hijab controversy) પર મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દેતા કહ્યું કે હિજાબ ધર્મનો ફરજિયાત ભાગ નથી. શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરવાની ના પાડી શકે નહીં. કોર્ટે કહ્યું કે ઇસ્લામ(Islam)માં હિજાબ પહેરવું ફરજિયાત નથી.
કોર્ટે કહ્યું છે કે શાળાના ગણવેશ અંગેની જવાબદારી યોગ્ય સંચાલનની છે. વિદ્યાર્થી કે વિદ્યાર્થીની તેને નકારી શકે નહીં. ચુકાદા બાદ તમામ જજોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જસ્ટિસ જેએમ ખાજીની બેંચ 9 ફેબ્રુઆરીએ આ મામલાની સુનાવણી કરવા માટે રચવામાં આવી હતી. છોકરીઓ તરફથી એક પિટિશન દાખલ કરવામાં આવી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે તેમને ક્લાસ દરમિયાન પણ હિજાબ પહેરવાની છૂટ હોવી જોઈએ, કારણ કે હિજાબ તેમના ધર્મનો આવશ્યક ભાગ છે.
25 ફેબ્રુઆરીએ સુનાવણી પૂર્ણ થઈ હતી:
કર્ણાટક હાઈકોર્ટે આ મામલે 25 ફેબ્રુઆરીએ સુનાવણી પૂરી કરી હતી. આ સાથે કોર્ટે પોતાનો નિર્ણય પણ સુરક્ષિત રાખ્યો હતો. નિર્ણયને ધ્યાનમાં રાખીને, સાવચેતીના પગલા તરીકે, દક્ષિણ કન્નડના જિલ્લા કલેક્ટરે આજે (15 માર્ચ) તમામ શાળાઓ અને કોલેજોમાં રજાનો આદેશ આપ્યો છે. આ સાથે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.
ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું:
કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર ભારતીય જનતા પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ લખ્યું, “સત્યમેવ જયતે… કોંગ્રેસ અને પીએફઆઈના જેઓ હિજાબનું રાજનીતિ કરી રહ્યા હતા અને લોકોના મગજમાં ઝેર ઓકતા હતા તેમને કર્ણાટક હાઈકોર્ટે તેના નિર્ણયથી જવાબ આપ્યો છે.” આ લોકો પોતાની વોટ બેંક માટે ગંદી રાજનીતિ કરી રહ્યા હતા. આશા છે કે કોંગ્રેસ હવે ભાગલા પાડો અને રાજ કરોની ગંદી રાજનીતિ બંધ કરશે.
વિવાદનું કારણ શું છે?
કર્ણાટક સરકારે રાજ્યમાં કર્ણાટક શિક્ષણ અધિનિયમ, 1983 ની કલમ 133 લાગુ કરી હતી. આ અંતર્ગત તમામ શાળા અને કોલેજોમાં યુનિફોર્મ ફરજિયાત કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સરકારી શાળા-કોલેજોમાં માત્ર નિયત યુનિફોર્મ જ પહેરવાનો રહેશે. સાથે જ ખાનગી શાળાઓ પણ પોતાનો યુનિફોર્મ પસંદ કરી શકશે. માહિતી અનુસાર, કર્ણાટકમાં હિજાબને લઈને વિવાદ જાન્યુઆરી 2022 દરમિયાન શરૂ થયો હતો. ત્યારે ઉડુપીની એક સરકારી કોલેજમાં છ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને કોલેજ પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલા કોલેજ પ્રશાસને વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની મનાઈ ફરમાવી હતી. આમ છતાં યુવતીઓ હિજાબ પહેરીને પહોંચી હતી. જ્યારે તેને અટકાવવામાં આવ્યો ત્યારે અન્ય કોલેજોમાં પણ વિવાદો શરૂ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.