સુરત(Surat) શહેરમાં દિવસેને દિવસે હત્યા(Murder) તેમજ આપઘાતના કેસો વધતા જ જાય છે. ત્યારે હાલમાં જ વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તાર (Dindoli area)માં આવેલ કેવલ આવાસમાં રહેતી 27 વર્ષીય મહિલાએ આપધાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મહિલાનું નામ ચાંદની સંતોષકુમાર મોર્યા હતું. મહિલાએ ગતરોજ સાંજે પોતાના 2 મહિનાનાં બાળકને દૂધ પીવડાવ્યા બાદ સુવડાવી દીધો હતો અને પોતે બાજુના રૂમમાં જઈ પંખા પર દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મહિલાના પિતાએ મૃતકના પતિ, દિયર અને સસરા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
મહિલા રૂમમાં લટકતી હતી અને બીજા રૂમમાં બાળક રડી રહ્યો હતો:
વાસ્તવમાં, મૃતક મહિલાનો દિયર સાંજે જયારે જોબ પરથી આવ્યો એ દરમિયાન ઘરની જાળી અંદરથી બંધ હતી અને અંદર જોરજોરથી બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. તેના દિયરે બુમ પાડી પરંતુ કોઈએ સાંભળ્યું નહોતું. અંતે પાડોશીઓને બોલાવીને જાળી તોડી અંદર જતા જ ચોકાવનારું દ્રશ્ય હતું. ભાભી રૂમમાં લટકતા હતા અને બીજા રૂમમાં બાળક રડી રહ્યો હતો. ત્યારબાદ દિયરે ભાભીને નીચે ઉતર્યા અને 108ને બોલાવી હતી. ભાભીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ભાભીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
દીકરાના જન્મ બાદ પણ ત્રાસ આપવાનું શરૂ રાખ્યું:
મૃતકનાં પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચાંદનીના લગ્ન 28 નવેમ્બર 2020ના રોજ સંતોષકુમાર મોર્યા સાથે થયા હતા. લગ્નના બે ત્રણ માસ સુધી સારી રીતે રાખ્યા બાદ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ચાંદનીએ બે માસ પહેલા જ દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારે દીકરીએ ઘરે આવી પિતાને જાણ કરી હતી કે પતિ સહિત સાસરિયાના દરેક વ્યક્તિ હેરાન કરતા હતા. કહેતા હતા કે, ઘરમાં કામ બરાબર કરતી નથી, તને જમવાનું બનાવતા આવડતું નથી આવું બધું બોલી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
આપઘાતના એક અઠવાડિયા પહેલા પિતાને લઈ જવા કહ્યું હતું:
જાણવા મળ્યું છે કે, આપઘાતના કર્યાના એક અઠવાડિયા પહેલા ચાંદીનીએ તેના પિતાને ફોન કર્યો હતો. ફોન કરીને તેણે તેના પિતાને જણાવ્યું હતું કે, મારા પતિ, સસરા અને દિયર મને હેરાન કરે છે અને ત્રાસ આપે છે, મને તેડવા આવો. જોકે, પિતાએ કહ્યું હતું કે, થોડો સમય થોભી જા હું તને લેવા આવું છું. ત્યારબાદ ઘટનાના દિવસે ઘણા ફોન કર્યા હતા, પરંતુ ચાંદનીએ ઉચક્યા નહોતા. પછી દીકરીના મૃત્યુના સમાચાર મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.