વાપી(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર વાપી(Vapi)માંથી બદલા માટે હત્યાની ઘટના સામે આવી છે. આ વખતે વાપીના છીરી વિસ્તારમાં એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. વાપીના જે ટાઈપ વિસ્તાર(J type area)માં બે દિવસ અગાઉ દિલીપ વનવાસી(Dilip Vanvasi) નામના એક યુવકની થયેલી હત્યાના મામલામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ છે. વાપી જીઆઇડીસી(GIDC) પોલીસ દ્વારા હત્યાના આ બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કરવામાં આવ્યા છે.
જાણવા મળ્યું છે કે, ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. મૃતક દિલીપ વનવાસી જેલમાંથી મુક્ત થયાના બીજા જ દિવસે આરોપીઓ દ્વારા જૂની અંગત અદાવતમાં તીક્ષણ હથિયારોના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી અને ફરાર થઈ ગયા હતા. જોકે, આરોપીઓ વાપીથી મહારાષ્ટ્ર ફરાર થાય તે પહેલાં જ પોલીસ દ્વારા તમામને પકડી લેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, બે દિવસ અગાઉ દિલીપ વનવાસી નામનો એક યુવક પોતાના મિત્રો સાથે દમણથી પરત ફરી રહ્યો હતો અને રાત્રે વાપી રેલવે સ્ટેશન નજીક બેઠા હતાં. આ દરમિયાન, આરોપીઓએ દિલીપ વનવાસીનો પીછો કર્યો હતો. વાપી જીઆઇડીસીના જે વિસ્તારમાં મોડીરાત્રે દિલીપના મોપેડને ટક્કર મારીને તેને નીચે પાડી દીધો હતો. ત્યારબાદ આરોપીઓ દ્વારા તીક્ષ્ણ હથિયારથી તેના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત દિલીપ વનવાસીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યુ હતુ.
તપાસ કરતા સામે આવ્યુ કે, દિલીપ વનવાસીએ થોડા દિવસો અગાઉ આરોપીઓ સાથે બબાલ કરી હતી. તે વખતે થયેલી બબાલના મામલે થયેલી ફરિયાદમાં દિલીપ વનવાસીને જેલમાં જવાનો વારો આવ્યો હતો અને હત્યાના એક દિવસ અગાઉ દિલીપ જામીન પર મુક્ત થઈ અને ઘરે આવ્યો હતો.
જામીન પર છૂટ્યાના બીજા દિવસે, આરોપીએ જૂના અંગત ઝઘડામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાખી. પોલીસે આ કેસમાં કલીમ ઉર્ફે હકાલા અલીમુદ્દીન સૈયદ, અબ્દુલ કાદિર ઈકરાર હુસૈન મન્સૂરી અને શશિકાંત ઉર્ફે લકી મિશ્રાની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા છે.
ઘટના બાદ આરોપીનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. આરોપી કલીમ ઉર્ફે હકાલા સામે વાપી અને આસપાસના પોલીસ સ્ટેશનમાં 14 વખત વિવિધ ગુના નોંધાયેલા છે. અન્ય બે આરોપીઓ સામે ચાર કેસ નોંધવામાં આવ્યા છે. આ રીતે આરોપી છેલ્લા કેટલાક સમયથી વાપીના છીરી અને આસપાસના વિસ્તારમાં ત્રાસ ગુજારતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.