રવિવારે ભારે નાટક વચ્ચે, ગોવામાં કોંગ્રેસે તેના બે વરિષ્ઠ નેતાઓ, માઇકલ લોબો અને દિગંબર કામત પર આરોપ મૂક્યો હતો કે તેઓ કથિત રીતે ભાજપ સાથે જવાની ઈચ્છા ધરાવે છે અને સત્તાધારી પક્ષ સાથે પક્ષપલટો કરવા માટે રચાયેલા “ષડયંત્ર”નો ભાગ છે.
AICC ગોવાના પ્રભારી દિનેશ ગુંડુ રાવે જાહેરાત કરી છે કે ધારાસભ્ય લોબોને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાના પદ પરથી હટાવવામાં આવ્યા છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમની સાથે કામત અને અન્ય ત્રણ ધારાસભ્યો વિરુદ્ધ પણ આ રીતે જ કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગોવામાં કોંગ્રેસ પાસે માત્ર 11 ધારાસભ્યો છે, જેમાંથી 9 ધારાસભ્યો હવે ભાજપમાં જોડાવા માટે સામે આવ્યા છે. જો આમ થશે તો પક્ષ તૂટી જશે અને પક્ષ બદલનાર ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. કારણ કે તેમની સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યા કરતા ઘણી વધારે છે.
સૂત્રોએ જણાવ્યું કે ગોવાના કોંગ્રેસના ધારાસભ્યો જૂની પાર્ટીને છોડીને ભાજપમાં જોડાય તેવી ધારણા છે. કોંગ્રેસમાં હાલમાં 11 ધારાસભ્યો છે અને એવું કહેવાય છે કે તેમાંથી કેટલાક સત્તાધારી ભાજપમાં જઈ શકે છે. પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત, વિપક્ષના નેતા માઈકલ લોબો અને અન્ય કોંગ્રેસના ધારાસભ્યોએ ટૂંક સમયમાં જ ભગવા પાર્ટીમાં જોડાવા માટે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે જોડાણ કર્યું છે.
સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. કૉંગ્રેસના એક ધારાસભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકીએ છીએ અને અમે ભાજપના કેન્દ્રીય નેતૃત્વના કૉલની રાહ જોઈ રહ્યા છીએ. કોઈ ચોક્કસ પદ અથવા કેબિનેટમાં જગ્યા માટે કોઈ વચન આપવામાં આવ્યું નથી. બીજી તરફ કેટલાક સમાચારોમાં કહેવામાં આવી રહ્યું છે કે કોલકાતામાં કોંગ્રેસને પણ મોટો ઝટકો લાગી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના 3 વર્તમાન અને 3 ભૂતપૂર્વ સાંસદ TMCના સંપર્કમાં છે.