વિશ્વ વાઘ દિવસ: સુરતના ફિલ્ડ બાયોલોજીસ્ટ મયુર વરિયાએ જણાવી અરુણાચલ પ્રદેશમાં ‘પ્રોજેક્ટ ટાઈગર’ ની કામગીરી

વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ઉપરાંત રોયલ અને મોભાદાર પ્રાણી છે, જેની રૂઆબદાર ચાલ નિહાળવી એ પણ એક લ્હાવો છે. વાઘ સંરક્ષણ માટે ભારત સરકાર પણ…

વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ઉપરાંત રોયલ અને મોભાદાર પ્રાણી છે, જેની રૂઆબદાર ચાલ નિહાળવી એ પણ એક લ્હાવો છે. વાઘ સંરક્ષણ માટે ભારત સરકાર પણ સતત પ્રયાસો કરી રહી છે. દર વર્ષે તા.૨૯ જુલાઈએ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ’-‘ગ્લોબલ ટાઈગર ડે’ ઉજવવામાં આવે છે. ત્યારે સુરતના વતની અને વન્યજીવ સંશોધક અને ફિલ્ડ બાયોલોજીસ્ટ મયુર વરિયા હાલ અરૂણાચલ પ્રદેશના નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના પ્રોજેક્ટ ટાઈગર હેઠળ કાર્ય કરી રહ્યા છે. વાઘના ક્ષેત્રીય સર્વેક્ષણો, ડેટા મેળવવા અને જંગલમાં કેમેરા ટ્રેપ ગોઠવીને તેમની વસ્તી ગણતરીની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મયુર વરિયાની વન્યપ્રેમી તરીકેની કહાની ખુબ રસપ્રદ છે.

સુરતના કતારગામ વિસ્તારના વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા ફિલ્ડ બાયોલોજીસ્ટ મયુર હામુભાઈ વરિયા જણાવે છે કે, વાઘ ઈકોસિસ્ટમની હેલ્થ, બાયો ડાયવર્સિટી અને જંગલના તૃણાહારી પ્રાણીઓની વસ્તી જાળવવા મહત્વનો ફાળો આપે છે. જેથી વનસ્પતિ પર આધારિત પ્રાણીઓ અને વનસ્પતિનું સંતુલન પણ જળવાઈ રહે છે. ૨૦૦૬ થી દર ચાર વર્ષે ‘નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી’ દ્વારા સમગ્ર દેશમાં વાઘની વસ્તી ગણતરી થાય છે. ૨૦૧૮ ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ ૨૯૬૭ વાઘ અસ્તિત્વ ધરવતા હોવાનું નોંધાયું છે. ધીમે ધીમે લોકોમાં જાગૃત્તિ અને સરકારના સુઆયોજિત પ્રયાસોથી છેલ્લા બે વર્ષમાં ભારતમાં વાઘની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

મયુર વરિયાએ વધુમાં કહ્યું કે, ૮૦ના દાયકાની શરૂઆત સુધી ગુજરાતમાં પણ ડાંગ, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાના જંગલોમાં વાઘ વસવાટ કરતા હતા. તાજેતરમાં ૨૦૧૯માં, રાજ્યના મહિસાગર જિલ્લામાં ટ્રાન્સબાઉન્ડ્રી ખાતે વાઘની હાજરીના પૂરાવા મળ્યા હતા. ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન ૨૦૨૧-૨૨નું પાંચમું ચક્ર શરૂ છે, અને ડેટાનું વિશ્લેષણ થતાં જ ભારતમાં વાઘનો નવો આંકડો બહાર આવશે એવું તેમણે ઉમેર્યું હતું. આબોહવા પરિવર્તન મંત્રાલયના નેજા હેઠળ વર્ષ ૧૯૭૩થી કાર્યરત ‘પ્રોજેક્ટ ટાઈગર’ વિષે વિસ્તૃત માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટનો હેતુ વાઘની સંખ્યા વધારવા ઉપરાંત તેમના ખોરાકની ઉપલબ્ધિ માટે સલામત અને આદર્શ પર્યાવરણીય વાતાવરણ ઉભું કરવાનો છે.

વર્ષ ૧૯૮૩માં દેશના ૧૫મા વાઘ પ્રોજેક્ટ તરીકે જાહેર કરાયેલા અરૂણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં આવેલું નામદફા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ ખાતે વર્ષ ૨૦૧૮ની ગણતરી અનુસાર ૧૧ વાઘ નોંધાયા હતા. અહીં તેઓ ફિલ્ડ બાયોલોજીસ્ટ તરીકે વાઘનું નિરીક્ષણ કરી ઉદ્યાનના ઉત્કૃષ્ઠ સંચાલનની સુવિધા માટે સંશોધન કરી રહ્યા છે. તેઓ કહે છે કે, અહીના ખરબચડા, ડુંગરાળ સંરક્ષિત વિસ્તારમાં વાઘને ટ્રેક કરવા એ પડકારજનક કાર્ય છે, પરંતુ નામદફા NP અને TRના ફિલ્ડ સ્ટાફની સમર્પિત ટીમ આ ભવ્ય સંરક્ષિત વિસ્તારને બચાવવા માટે સખત મહેનત કરી રહી છે. અહીંના લોકો સાથે કામ કરવા માટે વિશેષાધિકાર મળ્યો હોય એવી લાગણી વ્યક્ત કરી પોતાની જાતને ભાગ્યશાળી અનુભવતા હોવાનું તેઓ જણાવે છે.

મયુર વરિયા વન્યજીવ સંશોધક અને ફિલ્ડ બાયોલોજીસ્ટ ઉપરાંત એક ઉત્તમ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર પણ છે. તેમણે જંગલોમાં ભ્રમણ કરી મુખ્યત્વે વિવિધ પ્રજાતિઓના કેટલાક આકર્ષક દ્રશ્યો-તસવીરો કેમેરામાં કેદ કર્યા છે, જેમાં પતંગિયા સાથે તેમની ખાસ મિત્રતા હોય એવી પ્રતીતિ થાય છે.

સામાન્ય વન્યજીવ પ્રેમીથી સંશોધક સુધીની સફર
મયુરભાઈ પોતાના વન્યજીવ સંશોધક સુધીના પોતાના પ્રવાસ વર્ણવતા જણાવે કે સરદાર પટેલ યુનિવર્સિટી (આણંદ) માંથી એમ.એસ.સી પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ દરમિયાન નેચર ક્લબ (સુરત) અને વોલન્ટરી નેચર્સ કન્ઝર્વન્સી જેવી એનજીઓ સાથે સ્વયંસેવક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાં મેં પતંગિયાઓ પર સંશોધન કરવા માટે ઊંડો રસ લઈ વન્યજીવ સંશોધન અને તેના મહત્વ વિશે જાણ્યું હતું. તેમજ સુરતની વીર નર્મદ યુનિ. અને આણંદની સરદાર પટેલ યુનિ.એ મને માર્ગદર્શક તરીકે વન્યજીવન સંશોધન ક્ષેત્રે આગળ કામ કરવા માટે પ્લેટફોર્મ આપવા સાથે ઉમદા તાલીમ આપી હતી. ત્યારબાદ સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્ક, જૂનાગઢ ખાતે ઝૂ બાયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતી વેળાએ એશિયાટિક લાયન, રોયલ બેંગાલ ટાઈગર, સ્લોથ બેર, દીપડો, આફ્રિકન કારાકલ, ઈન્ડિયન ગ્રે વુલ્ફ, જંગલી કૂતરા વગેરે જેવા જંગલી પ્રાણીઓને જોવા-જાણવા અને તેમનો તલસ્પર્શી અભ્યાસ કરવાની તક મળી. સક્કરબાગ ઝૂ ના ડાયરેક્ટર ડૉ. રામ રતન નાલા અને ત્યાંના તમામ વેટરનરી ઓફિસરોએ કેપ્ટિવ પ્રાણીઓની વર્તણૂક અને તેમના સંચાલન વિશે મને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *