વિધાનસભાની ચુંટણી પહેલા AAP નો માસ્ટર સ્ટ્રોક: બીજી યાદી કરી જાહેર – જાણો ક્યાં 9 ઉમેદવારોને મળી તક

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મજબૂત બની રહી છે. ગુજરાતના લોકોની અંદર આમ આદમી પાર્ટી માટે વિશ્વાસ અને ભરોસો વધી રહ્યો છે. એક પછી એક અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને ગેરંટીઓ અપાઇ રહી છે, તેને લઈને ગુજરાતની જનતામાં અલગ જ ઉત્સાહ છે.

અરવિંદ કેજરીવાલના એક એક શબ્દ પર ગુજરાતના લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે કેમ કે અરવિંદ કેજરીવાલ જે બોલે છે તે કરીને બતાવે છે. જ્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ દ્વારા 300 યુનિટ મફત વીજળીની ગેરંટી આપવામાં આવી, ત્યારે ગુજરાતના લોકોએ સામે ચાલીને કહ્યું કે, અરવિંદ કેજરીવાલએ દિલ્હી અને પંજબમાં કરી બતાવ્યું છે તો ગુજરાતમાં પણ શક્ય છે. 10 લાખ યુવાનોને રોજગાર આપવાની ગેરંટી હોય કે, મહિલાઓને 1000 રૂપિયા સન્માન રાશિ આપવાની ગેરંટી હોય, વેપારીઓ માટેની ગેરંટી હોય કે આદિવાસી સમાજ માટેની ગેરંટી હોય, કે શિક્ષણ વ્યવસ્થા માટેની ગેરંટી હોય, આ બધી ગેરંટી આપ્યા બાદ ગુજરાતના દરેક વર્ગમાં અરવિંદ કેજરીવાલ માટે વિશ્વાસ વધ્યો છે.

આમ આદમી પાર્ટીનું સંગઠન ધીમે ધીમે વધુ મોટું અને મજબૂત બની રહ્યું છે. અગાઉના દિવસોમાં આમ આદમી પાર્ટીએ વિધાનસભા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યા બાદ ભાજપના પણ ઘણા બધા લોકોએ સંપર્ક કર્યો અને શુભેચ્છાઓ પાઠવી કે, આ નિર્ણય ખૂબ સારો છે. ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ ઉમેદવારોને લોકો સુધી પહોંચવાનો પૂરતો સમય મળે છે, અને લોકોને પણ તેમના ઉમેદવાર વિશે જાણવાનો સમય મળી રહે છે. સંગઠન અને ઉમેદવાર વચ્ચેના સંકલનને પણ મજબૂત બનાવવાનો પૂરતો સમય મળે છે. જેટલા પણ ઉમેદવારો પહેલી યાદીમાં જાહેર થયા તેઓ તેમના મત વિસ્તારમાં કામે લાગી ગયા, લોકસંપર્કનો આનંદ માણી રહ્યા છે, એક એક ઘર સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. અને તેમની મહેનતને જોઈએ લોકો પણ કહી રહ્યા છે કે એક મોકો આમ આદમી પાર્ટીને આપવો જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, પહેલી યાદીને ખુબ આવકાર મળ્યો છે, ખુબ સ્વીકાર મળ્યો છે, સંગઠને પણ ખુશી ખુશી આ નિર્ણયને વધાવ્યો છે. એ જ અનુક્રમમાં આજે આમ આદમી પાર્ટી બીજી યાદી જાહેર કરવા જઈ રહી છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની લડાઈ ભ્રષ્ટ ભાજપ અને ઈમાનદાર આમ આદમી પાર્ટી વચ્ચે જવા થઈ રહી છે. ત્યારે ભ્રષ્ટ ભાજપને ઘર ભેગી કરવા માટે, ઈમાનદાર પાર્ટીની સરકાર બનાવવા માટે અને લોકોના પ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડવા માટે શક્તિશાળી માણસોને જનતા તક આપે તે માટે આજે આમ આદમી પાર્ટીની બીજી યાદી જાહેર થઇ રહી છે. બીજી યાદીની ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીનું, ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવનું, રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રભારી ડો.સંદીપ પાઠકનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે અને ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં બીજી યાદી તૈયાર કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના ખેડૂત વિંગના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાને ચોટીલા વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાજુભાઈ ગુજરાતના પ્રતિષ્ઠિત ખેડૂત આગેવાન છે. ગુજરાતમાં જમીન માપણીનો મુદ્દો હોય, ખાતરના ભાવ વધારાનો મુદ્દો હોય કે વીજળીના ભાવવધારાના મુદ્દા હોય, ખેડૂતોને મળતા ટેકાના ભાવ નો મુદ્દો હોય કે પછી APMCનો મુદ્દો હોય કે ખેડૂતો સાથે થતા અન્યાયનો મુદ્દો હોય, દરેક મુદ્દે રાજુભાઈ ખુબજ આક્રમકતાથી ખેડૂતોનો અવાજ ઉઠાવે છે.

બીજું નામ છે પિયુષભાઇ પરમાર કે, જેઓ હાલ માળીયા હાટીના તાલુકા પંચાયતના સદસ્ય છે. તેઓને જૂનાગઢની માંગરોળ વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પિયુષભાઈએ કોરોનાકાળમાં પોતાના ખર્ચે ગરીબોની ખૂબ સેવા કરી હતી. તેમણે લાંબા સમય સુધી ગરીબોને મફત માં શાકભાજી વિતરણ કર્યું હતું અને તેમના ઉત્તમ કાર્યથી તેમણે લોકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. મહારાણા પ્રતાપ ક્ષત્રિય સંગઠન સાથે મળીને તેઓએ રક્તદાન, બુક વિતરણ જેવા કાર્યો કરીને સમાજની સેવા કરી રહ્યા છે.

કરસનભાઈ કરમુરને જામનગર ઉત્તર વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કરસનભાઈ જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, આ સિવાય તેઓ જામનગરના સ્થાનિક વેપારી પણ છે. છેલ્લા ઘણા સમયથી તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સામાજિક અને રાજકીય કાર્યોમાં કાર્યરત છે.

કુમારી નિમિષાબેન ખૂંટને ગોંડલ વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. નિમિષાબેન આમ આદમી પાર્ટીમાં ખૂબ જ જૂના ક્રાંતિકારી આગેવાન રૂપે કામ કરી રહ્યા છે. તેઓ હંમેશા મજબૂતીથી જનતાના મુદ્દાઓને ઉઠાવી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી તેમણે આમ આદમી પાર્ટીમાં ખૂબ જ સારું યોગદાન આપ્યું છે.

પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરને સુરતની ચોર્યાસી વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રકાશભાઈ સુરત જિલ્લાના કાંઠા વિસ્તારમાં કોળી સમાજના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે અને સામાજિક અગ્રણી તરીકે નામના ધરાવે છે. કાંઠા વિસ્તારમાં કંપનીઓ દ્વારા લોકોની જમીન હડપી લેવામાં આવે છે, પ્રદૂષણ ફેલાવવામાં આવે છે અને સ્થાનિકોને રોજગારી નથી મળતી આ બાબતે પરિવર્તન ટ્રસ્ટના માધ્યમથી પ્રકાશભાઈ ખૂબ જ લડતો ચલાવી રહ્યા છે.

વિક્રમભાઈ સોરાણીને વાંકાનેર વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વિક્રમભાઈ અખિલ ભારતીય કોલી કોરી સમાજના ગુજરાત પ્રદેશના પ્રમુખ છે. તેઓ સમૂહ લગ્ન કરાવવા બાબતે સામાજિક રીતે ખૂબ જ જાણીતા છે. ગઈ સાલ તેમણે 550 નિરાધાર અને સર્વ જ્ઞાતિની દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. આ સિવાય પુસ્તક વિતરણ, રક્તદાન જેવા સમાજસેવાના કાર્યો કરવા માટે પણ તેઓ જાણીતા છે.

ભરતભાઈ વાખડાને દેવગઢબારીયા વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભરતભાઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય રહી ચૂક્યા છે. તેઓ સામાજિક અને રાજકીય ક્ષેત્રે ખૂબ સારી નામના ધરાવે છે.

જે.જે. મેવાડાને અમદાવાદની અસારવા વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જે.જે. મેવાડા અમદાવાદ સિટી પોલીસમાં DySP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સાથે સાથે તેઓ દલિત સમાજના મુદ્દાઓને લઈને હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે. તેઓ ખૂબ જ સારા સામાજિક અગ્રણી તરીકે છાપ ધરાવે છે. આ સિવાય નિવૃત્ત કર્મચારીઓના સંગઠનમાં પણ તેઓ સક્રિય છે.

વિપુલભાઈ સખિયાને ધોરાજી વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવે છે. વિપુલભાઈ એક યુવા ક્રાંતિકારી આગેવાન છે. ધોરાજી, ઉપલેટા, જેતપુરમાં પ્રદૂષણના મુદ્દે, વીજળીના મુદ્દે અને ખેડૂતોની જમીનોના મુદ્દે વિપુલભાઈ હંમેશા લડતા આવ્યા છે. ધોરાજી, ઉપલેટા, જેતપુર પંથકમાં ખેડૂતો માટે તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે.

ગોપાલ ઈટાલીયાએ વધુમાં કહ્યું કે, બીજી યાદીમાં જેટલા પણ ઉમેદવારો જાહેર થયા છે તે સૌ ને હું શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાતની જનતા ખુબ જ ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીને જોઈ રહી છે. ત્યારે પહેલા જાહેર થયેલા અને અત્યારે જાહેર થયેલા તમામ સાથીઓ નવી આશાની કિરણ સાથે લઈને આવશે તેવા વિશ્વાસ સાથે ફરી એક વાર સૌને આમ આદમી પાર્ટી તરફથી શુભેચ્છાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *