ગુજરાત સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો- “છબ છબા છબ વોટર પાર્ક” એ ભાડા પેટે લીધેલી ગૌચર જમીનનું 157 કરોડનું ચુકવણું બાકી

સુરત(Surat): હજી એક દિવસ અગાઉ જ સુરતમાં અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક(Amaazia Amusement Park) અને રાજહંસ થિયેટર(Rajhans Multiplex)ની મિલકત જપ્તી માટેનો આદેશ આપવામાં આવ્યો છે ત્યાં બીજા એક એમ્યુઝમેન્ટ પાર્ક “છબ છબા છબ(Chhab Chhaba Chhab Water Fun Park)”ને 157 કરોડ રૂપિયાની રિકવરી માટેની નોટિસ ફટકારવામાં આવી છે. હજીરા(Hajira) નજીક દામકામાં ગૌચરની જમીન સરકારે એમ્યુઝમેન્ટ પાર્ક માટે ભાડા પટે આપવામાં આવી હતી. તેમાં “છબ છબા છબ પાર્કના સંચાલકોએ કન્વર્ઝન ટેક્સ સહિત ભાડાની ચૂકવણી નહીં કરવામાં આવતા 48 કરોડ રૂપિયાના વ્યાજ સહિત રૂ.157 કરોડ સરકારી લેણા બાકી નીકળતા હોવાનું મહેસુલ વિભાગના ઓડિટમાં બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મહત્વનું છે કે, શહેરના છેવાડે આવેલા હજીરાના મહાકાય ઉદ્યોગોની નજીકના વિસ્તારમાં આવેલા દામકા ગામે સરકારી ગૌચરની જમીન એમ્યુઝમેન્ટ પાર્ક “છબ છબા છબ” માટે જય ફન પાર્ક પ્રાઈવેટ લીમીટેડ નામની સંસ્થાને ભાડા પટે ફાળવવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા જમીન ઉપર છબ છબા છબ વોટર પાર્ક ઊભો કરવામાં આવ્યો હતો. આ ધંધો ચાલતો પણ હતો પરંતુ સરકારી નીતિ-નિયમોને ધરાર અવગણીને આ જય ફન પાર્ક પ્રાઈવેટ લિમિટેડના સંચાલકો દ્વારા કન્વર્ઝન ટેક્સ સહિત ઘણા સરકારી ચુકવણું કરવામાં આવ્યું નથી. મહેસુલ વિભાગ દ્વારા ઓડિટ હાથ ધરવામાં આવતાં આ મોટો ઘટસ્ફોટ થયો હતો.

સુરત જિલ્લા કલેક્ટર દ્વારા ફટકારેલી વસૂલાત માટેની નોટિસમાં જણાવતા કહ્યું છે કે, ચોર્યાસી તાલુકાના દામકા ગામમાં આવેલી અને સર્વે નં. 116/થી નોંધાયેલી ગૌચરની 13 લાખ ચોરસ મીટર જમીન પૈકી અંદાજે 6.74 લાખ ચોરસ મીટર જમીન જય ફન પાર્ક લિમિટેડને વર્ષ 1995માં ગુજરાત સરકાર દ્વારા 30 વર્ષના ભાડા પટે ફાળવવામાં આવી હતી. શરત એ પ્રકારની હતી કે, આ જમીનનું ભાડુ દર સાત વર્ષે રિવાઇઝ્ડ કરવાનું રહેશે. જય ફન પાર્કના સંચાલકો દ્વારા આ જમીન ઉપર છબ છબા છબના નામે વોટર પાર્ક શરૂ કરી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ગુજરાત સરકારના મહેસુલ વિભાગના ઓડિટર જનરલના સિનિયર ઓડિટર દ્વારા ઓડિટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમાં જય ફન પાર્કના ભાડાની ખૂટતી રકમ 108.44 કરોડ રૂપિયા, 40.44 લાખ રૂપિયા કન્વર્ઝન ટેક્સ અને 48.84 કરોડ રૂપિયા વ્યાજ મળીને કુલ 157.28 કરોડ રૂપિયા ચુકવણું કરવાના થાય છે.

મહત્વનું છે કે, છેલ્લા બે દાયકા ઉપરાંતથી વોટર પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્કના નામે ધંધો કરતા પાર્કના સંચાલકોએ રાજ્ય સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાની વાસ્તવિકતા સામે આવતાં ગઈ 14મી સપ્ટેમ્બર 2022ના રોજ મહેસુલ વિભાગના અગ્રસચિવની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. તેમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

આ બેઠકમાં થયેલા દિશાનિર્દેશને લીધે ઓડિટ દરમ્યાન જય ફન પાર્ક લિમિટેડ પાર્ક પાસેથી કન્વર્ઝન ટેક્સ પેટે 40.44 લાખ રૂપિયા સહિત ભાડાની રકમ પેટે 108 કરોડ અને વ્યાજનીરૂ. 48 કરોડ મળી કુલ રૂ. 157 કરોડની વસુલાત કરવા માટેનો કલેક્ટર આયુશ ઓક દ્વારા ચોર્યાસી મામલતદારને હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમને મળતાની સાથે જ ચોર્યાસી મામલતદાર જીગ્નેશ પટેલ દ્વારા રિકવરી કરવા માટેની નોટિસ જારી કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ગુજરાતના મહેસુલ વિભાગના ઓડિટમાં સામે આવેલી વાસ્તવિકતા પછી કરોડો રૂપિયાની રિકવરીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. એ.જી. ઓડીટમાં ઉઠાવવામાં આવેલા આ મુદ્દા અનુસાર, ખુટતી ભાડાની રકમ વસુલાત કરવા નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે. જોકે, જમીન 30 વર્ષ માટે ભાડાપટે આપવામાં આવી હતી. તેમાંથી 27 વર્ષ વિતી ચુક્યા છે. આ સંજોગોમાં 157 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ કહી શકાય તે શું સંચાલકો સરળતાથી ચૂકવે છે કે, પછી કોઈ નવો જ દાવપેચ અજમાવે છે, તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ બેઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *